World Environment Day : સુરતના પર્યાવરણપ્રેમી ઉદ્યોગપતિએ બંગલાની 25 ફૂટ ઊંચી દીવાલને ફૂલ છોડથી ઢાંકી બનાવ્યું ‘ગ્રીન કવર’ જુઓ PHOTOS
ઘરની સુંદરતા વધવાની સાથે બહારના વાતાવરણની સરખામણીમાં ઘરના તાપમાનમા પણ 6 થી 7 ડિગ્રીનો ઘટાડો થાય તેને લઈ સુરતના ઉદ્યોગપતિએ પોતાના ઘરમાં 150 થી વધુ કુંડા અને ક્યારી મળી 40 થી વધુ જાતના ફૂલ-છોડથી તેમણે ઘરની 25 ફૂટની દીવાલને વેલાઓ વડે તૈયાર થયેલા ‘ગ્રીન કવર’થી ઢાંકી દીધી

પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે વિશ્વભરમાં તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. માનવજીવનનો આધાર એવા પર્યાવરણની જાળવણી અને તેનુ સંવર્ધન માત્ર જરૂરિયાત નહિં પણ દરેક નાગરિકની ઔપચારિક ફરજ છે.ત્યારે સુરતના 36 વર્ષીય ઉદ્યોગપતિએ ઘરની ન્યૂનતમ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી ઘરને હરિયાળું બનાવ્યું છે.

સુરતના આ ઉદ્યોગપતિએ પોતાના ઘરમાં 150 થી વધુ કુંડા અને ક્યારી મળી 40 થી વધુ જાતના ફૂલ-છોડથી તેમણે ઘરની 25 ફૂટની દીવાલને વેલાઓ વડે તૈયાર થયેલા ‘ગ્રીન કવર’થી ઢાંકી દીધી છે. જેને કારણે પુષ્કળ ગરમીમાં પણ તેમના ઘરે ઠંડક અનુભવાય છે. ઘરમાં બહારના વાતાવરણની સરખામણીએ 6-7 ડિગ્રી ઠંડક રહે છે.

સુરતના નિશિતભાઈના 'ગ્રીન હાઉસ' સમાન ઘરમાં લીંબુ, કઢી લીમડો, સીતાફળ, લીલી ચા જેવા રોજ દરરોજની રસોઈમાં ઉપયોગમાં લઈ શકાય તેવા છોડ પણ સામેલ છે. પુષ્કળ પ્રમાણમાં હરિયાળીથી આચ્છાદિત હોવાથી નિશિતભાઈનું ઘર અનેક પતંગિયાઓ, પક્ષીઓ માટે પણ પ્રિય બન્યું છે. જેમાં સનબર્ડ, રેડ વેન્ટેડ બુલબુલ, પારેવા, કોયલ, હમીંગ બર્ડ જેવા વિવિધ પક્ષીઓ સવાર સાંજ આવી મધુર કલરવ કરે છે.

એક નજરે જોતાં જ તેમના પ્રકૃતિ પ્રેમને ભાખી શકાય. તેમના ગ્રીન એન્ડ ક્લીન ઘર અંગે વિસ્તારથી વાત કરતાં નિશિતભાઈએ જણાવ્યું કે, મને 11-12 વર્ષની ઉંમરથી જ પર્યાવરણ અને તેના જતનમાં ઊંડો રસ હોવાથી સુરતની જાણીતી સંસ્થા નેચર ક્લબમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને વર્ષો સુધી વિવિધ કામગીરી દ્વારા ફૂલ-છોડ અને તેના ઉપયોગ વિષે અનેક જાણકારી મેળવી. તેમણે વધારે સમજણ માટે યુ-ટ્યુબ પર વિડીયો જોઈ અવનવા એક્સપેરિમેન્ટ કર્યા અને અંતે ગ્રીન હાઉસ ઊભું કરવામાં સફળતા મળી છે

અહી અગાસીમાં નિયમિત આવતા પક્ષીઓના ચણથી કુદરતી રીતે ફ્લાવર અને સફેદ ચોળા ઊગી આવે છે. આ છોડ ‘બર્ડ ડ્રોપીંગ’ થી ઉછર્યા હોવાનું જણાવ્યુ છે. વધુમાં તેઓ રસોડાના ભીના કચરામાંથી તૈયાર થતા ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ છોડના વિકાસમાં કરતાં હોવાનું જણાવ્યુ હતું. તેઓ બે વર્ષથી ઘરના વેટ કચરામાંથી કોમ્પોસ્ટ બનાવી ફૂલ છોડના ખાતર રૂપે ઉપયોગ કરીને ‘ઝીરો વેટ વેસ્ટ’નો પ્રયોગ કરી રહ્યા છે.