Cyclone Biparjoy: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos
Cyclone Biparjoy: પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે,

સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.