IND vs WI: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી વનડેમાં 5 વિકેટથી હરાવી શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વડોદરામાં રમાયેલ ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવી ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ત્રીજી મેચમાં ભારતની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની કોઈ બેટ્સમેન ટકી શકી નહીં અને ભારતે આસાનીથી ટાર્ગેટ ચેઝ કરી યાદગાર જીત મેળવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચ વડોદરામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરતા હેલી મેથ્યુઝની કેપ્ટનશીપવાળી ટીમને માત્ર 162 રનમાં આઉટ કરી દીધી હતી. ત્યારપછી બેટ્સમેનોએ પોતાની કુશળતા બતાવી અને માત્ર 28.2 ઓવરમાં આ સરળ લક્ષ્યનો પીછો કરી લીધો.

વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. પરંતુ તેનો નિર્ણય ટીમ માટે મોંઘો સાબિત થયો હતો. ભારતીય બોલરો સામે કોઈ બેટ્સમેન ટકી શકી નહીં. રેણુકા સિંહ ઠાકુર અને દીપ્તિ શર્માએ મળીને વેસ્ટ ઈન્ડિઝની દસ વિકેટ લીધી હતી.

રેણુકાએ 9.5 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિએ 10 ઓવરમાં 31 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બંનેની ઘાતક બોલિંગને કારણે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 162 રન પર રોકી દીધું હતું.

જોકે, ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે 55 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રનની ઈનિંગ રમી હતી અને જેમિમાહ રોડ્રિગ્સે 29 રનની ઈનિંગ રમી હતી. જ્યારે દીપ્તિએ 48 બોલમાં 39 અને રિચા ઘોષે 11 બોલમાં 23 રન બનાવ્યા હતા.

આ રીતે ભારતે આ નાના લક્ષ્યનો પીછો માત્ર 28.2 ઓવરમાં કરી લીધો હતો. દીપ્તિ શર્માએ પહેલા બોલ અને પછી બેટ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આ ત્રણેય મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. ભારતીય ટીમે પહેલા મેચમાં 211 રને અને બીજી મેચમાં 115 રને અને ત્રીજી મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી.

આ સિરીઝમાં રેણુકા સિંહ ઠાકુરે કુલ 10 વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગ માટે રેણુકાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ પહેલા 3 મેચની T20 સિરીઝ પણ રમાઈ હતી. જેમાં પણ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. (All Photo Credit : X / BCCI)

































































