14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ લિટ્ટી-ચોખા ખાવાનું કર્યું બંધ, વજન ધટાડવા ફોલો કરે છે ખાસ ડાયેટ પ્લાન
વૈભવ સૂર્યવંશી શું ખાય છે? હાલ તેનો ડાયેટ પ્લાન શું છે? તેના પિતા સંજીવ સૂર્યવંશીએ આ વિશે જણાવ્યું છે. વૈભવ સૂર્યવંશી હાલમાં ભારતની અંડર 19 ટીમ સાથે શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડમાં છે. જાણો 14 વર્ષના આ યુવા સ્ટારનો કેવો છે ડાયેટ પ્લાન.

છેલ્લા કેટલાક મહિનાઓથી આખું ભારત 14 વર્ષના વૈભવ સૂર્યવંશી વિશે ચર્ચા કરી રહ્યું છે. હાલમાં, વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડમાં છે. તે ભારતીય અંડર-19 ટીમ સાથે શ્રેણી રમવા માટે ત્યાં ગયો છે, જે 27 જૂનથી શરૂ થવાની છે.

વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડની ધરતી પર પહેલીવાર રમવાનો છે. વૈભવ સૂર્યવંશી આજકાલ સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી રહ્યો છે. વધતા વજનને નિયંત્રિત કરવા વૈભવ સૂર્યવંશીએ લેટેસ્ટ ડાયેટ પ્લાન બનાવ્યો છે જે અંગે તેના પિતાએ ખુલાસો કર્યો હતો.

વૈભવને હંમેશા ચિકન અને મટન ખાવાનો શોખ રહ્યો છે. તે ઉપરાંત, તેને લિટ્ટી-ચોખા પણ ખૂબ ગમે છે. લિટ્ટી-ચોખા બિહારના લગભગ દરેક વ્યક્તિનું પ્રિય ભોજન છે. પરંતુ, જો તેના પિતાની વાત માનીએ તો, વૈભવ હવે લિટ્ટી-ચોખા ખાતો નથી.

સંજીવ સૂર્યવંશીએ કહ્યું કે વૈભવનો ડાયેટ પ્લાન હવે ખૂબ જ સંતુલિત છે. તે સંતુલિત આહાર લે છે, જેમાં લિટ્ટી-ચોખાને કોઈ સ્થાન નથી. વૈભવનું વજન વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, તેને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહાર યોજનાનું પાલન કરવું જરૂરી છે.

સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ સામે રમાયેલી રેડ બોલ મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદ, તેણે IPL 2025માં ડેબ્યૂ કર્યું અને 35 બોલમાં સદી ફટકારી છવાઈ ગયો. હવે તેની સામે ઈંગ્લેન્ડનો પડકાર છે, જ્યાં તે પહેલીવાર રમશે. (All Photo Credit : PTI)
IPL 2025માં ધમાલ મચાવનાર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી હવે ઈંગ્લેન્ડમાં કમાલ કરવા તૈયાર છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
