ICC Rankings: મિતાલી રાજ નંબર ત્રણ અને સ્મૃતી મંધાના છઠ્ઠા ક્રમ પર યથાવત, સ્ટેફની ટેલરને થયો ફાયદો
ICC મહિલા ODI પ્લેયર રેન્કિંગ (ICC Women's ODI Player Rankings) માં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર (Stephanie Taylor) ટોપ-10ની નજીક પહોંચી ગઈ છે.

ભારતની મિતાલી રાજ (Mithali Raj) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ICC ODI મહિલા રેન્કિંગમાં ત્રીજા અને છઠ્ઠા સ્થાને યથાવત છે. અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી ODI બોલરોમાં બીજા સ્થાને છે. જ્યારે દીપ્તિ શર્મા ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમા સ્થાને છે.

વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર પાકિસ્તાન સામે સદી ફટકારીને બેટ્સમેનના રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને ત્રીજી ODI અને ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચોમાંના પ્રદર્શનને પણ ICC દ્વારા બહાર પાડવામાં આવેલ નવા રેન્કિંગમાં ગણવામાં આવ્યુ છે. ટેલર બે સ્થાન ચઢીને 12મા સ્થાને પહોંચી ગઇ છે.

વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ ચાર સ્થાન ચઢીને 25માં સ્થાને છે, જ્યારે બોલરોમાં તે ત્રણ સ્થાન ચઢીને 20માં સ્થાને છે. તે ઓલરાઉન્ડરોની યાદીમાં બે સ્થાનના ફાયદા સાથે 12મા ક્રમે છે.

પાકિસ્તાનની આલિયા રિયાઝ બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્થાન ચઢીને 37માં સ્થાને છે અને ઓમાઈમા સોહેલ બે સ્થાન આગળ વધીને 39માં સ્થાને છે. બોલરોમાં નશરા સંધુ એક સ્થાન આગળ વધીને 21મા અને અનમ અમીન ચાર સ્થાન આગળ વધીને 43મા ક્રમે પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશની ફરઝાના હક સાત સ્થાનના ફાયદા સાથે સંયુક્ત 26માં સ્થાને છે. બોલરોમાં સુકાની સલમા ખાતૂન પાંચ સ્થાનના ફાયદા સાથે 39મા સ્થાને પહોંચી ગઈ છે.

બેટ્સમેનોની યાદીમાં બે ભારતીય મહિલા ક્રિકેટરો મિતાલી રાજ અને સ્મૃતી મંધાનાનો સમાવેશ છે. મિતાલી પ્રથમ મહિલા ક્રિકેટર છે જેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.