Breaking News: રોહિત શર્મા ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન! ફ્રેન્ચાઇઝીની વિનંતી સ્વીકારી, હાર્દિકનું ભવિષ્ય અધ્ધરતાલ
IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપને લઈને મોટો ફેરફાર થવાની ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચાઇઝી ફરી એકવાર રોહિત શર્માને ટીમની કમાન સોંપવાની તૈયારી કરી રહી છે. રોહિતે શરૂઆતમાં યુવા બેટર તિલક વર્માને કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું હતું, પરંતુ ફ્રેન્ચાઇઝીની વિનંતી બાદ તે ફરી કેપ્ટન બનવા સંમત થયો હોવાનું કહેવાય છે.

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપને લઈને મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાંચ વખતની ચેમ્પિયન ટીમ ફરી એકવાર રોહિત શર્માને કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહી છે. જોકે, ફ્રેન્ચાઇઝી તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં છેલ્લી સિઝનમાં મુંબઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમે 14માંથી 10 મેચમાં હારનો સામનો કર્યો હતો અને પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. આ પ્રદર્શન બાદ ટીમના નેતૃત્વમાં ફેરફારની અટકળો તેજ બની છે.

દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કોચિંગ સ્ટાફમાં પણ મોટો ફેરફાર કર્યો છે. કિરોન પોલાર્ડને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ, મિશેલ મેકક્લેનાઘનને બોલિંગ કોચ, ટી દિલીપને ફિલ્ડિંગ કોચ અને ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. કોચિંગ સ્ટાફમાં થયેલા આ ફેરફારો બાદ કેપ્ટનશિપમાં પણ બદલાવની ચર્ચાએ જોર પકડ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, નવા કોચની પસંદગી દરમિયાન ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની સલાહ પણ લીધી હતી. આ ચર્ચા દરમિયાન રોહિતે ભવિષ્ય માટે યુવા ખેલાડીને તૈયાર કરવાની વાત કરી હતી. તેણે તિલક વર્માને કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું હોવાનું કહેવાય છે.

જોકે, મુંબઈ ઈન્ડિયન્સની ખાસ વિનંતી બાદ રોહિત શર્મા ફરી એકવાર ટીમની કમાન સંભાળવા સંમત થયો હોવાના અહેવાલ છે. જો આ નિર્ણય પર મહોર લાગશે તો IPL 2027માં રોહિત ફરી મુંબઈની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.

હવે સૌથી મોટો સવાલ હાર્દિક પંડ્યાના ભવિષ્યનો છે. ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈમાં પરત ફર્યા બાદ હાર્દિકને કેપ્ટન બનાવવાના નિર્ણયનો ચાહકોએ વિરોધ કર્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં પણ તેને પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે કેપ્ટનશિપમાં ફેરફારની ચર્ચા વચ્ચે તેના રિટેન્શન અને ટ્રેડ અંગે અટકળો ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, મુંબઈ હાર્દિકને અન્ય ફ્રેન્ચાઇઝીમાં ટ્રેડ કરી શકે છે. જોકે, જો આવી ડીલ શક્ય નહીં બને તો હાર્દિક રોહિતના નેતૃત્વમાં રમવા તૈયાર હોવાનું પણ કહેવાય છે. આ તમામ બાબતો હાલ મીડિયા રિપોર્ટ્સ અને અટકળો પર આધારિત છે. મુંબઈ ઈન્ડિયન્સની સત્તાવાર જાહેરાત બાદ જ IPL 2027 માટેની કેપ્ટનશિપ અને હાર્દિકના ભવિષ્ય અંગે સ્પષ્ટતા થશે. (PC:PTI/X)
Breaking News: સેહવાગ અને દ્રવિડના પુત્રોની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, એશિયા કપમાં મચાવશે ધમાલ
