IND vs NZ: જસપ્રીત બુમરાહની મોટી સિદ્ધિ, 237 વિકેટ સાથે ભારતના ટોપ 10 ટેસ્ટ બોલરોમાં એન્ટ્રી
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ સાથે મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ટોમ લાથમ, ડેરિલ મિશેલ અને ટોમ બ્લંડેલની વિકેટ લઈને તેણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોની યાદીમાં સ્થાન મેળવ્યું. આ સાથે તેણે દિગ્ગજ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથને પાછળ છોડી દીધા છે.

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો. તે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ટોચના 10 બોલરોમાં સામેલ થઈ ગયો છે.

બુમરાહે ઇનિંગની પહેલી જ ઓવરમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને શાનદાર ઇનસ્વિંગ બોલથી બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

ત્યારબાદ તેણે ડેરિલ મિશેલને યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવ્યો હતો. આ વિકેટ સાથે બુમરાહે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથની વિકેટોની બરાબરી કરી હતી.

જોકે, બુમરાહ અહીં અટક્યો નહોતો. તેણે ટોમ બ્લંડેલને આઉટ કરીને પોતાની 237મી ટેસ્ટ વિકેટ મેળવી અને શ્રીનાથને પાછળ છોડી દીધો હતો.

આ સિદ્ધિ સાથે બુમરાહ ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં દસમા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં અનિલ કુંબલે 619 વિકેટ સાથે ટોચ પર છે.

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ટોચના 10 બોલરોમાં કુંબલે, આર. અશ્વિન, કપિલ દેવ, હરભજન સિંહ અને રવિન્દ્ર જાડેજા સહિતના દિગ્ગજો સામેલ છે.

બીજી તરફ, ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ત્રણ, જ્યારે અંશુલ કંબોજ અને આકાશ દીપે એક-એક વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે છઠ્ઠી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરીને ન્યુઝીલેન્ડને સંભાળ્યું હતું. પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે દિવસની રમતના અંતે પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. (PC:PTI/X)
IND vs NZ: 70/5થી 243/5 સુધી પહોંચ્યું ન્યુઝીલેન્ડ, ફિલિપ્સ-નિકોલ્સે ભારતીય બોલરોને હંફાવ્યા
