NPS Rule Change : NPSના બદલાયા નિયમો, હવે આ લોકો પણ સરળતાથી ખોલી શકશે ખાતા
NPS નિયમોમાં ફેરફાર: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ NPS ખાતું ખોલવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો ખાતું ખોલવાની KYC પ્રક્રિયા સાથે સંબંધિત છે. જેનો લાભ હવે અનેક ખાતાધારકોને થશે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ખાતું ખોલવાના નિયમોમાં ફેરફાર કરીને પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. ખાસ કરીને હવે NRI નાવિકો માટે KYC સંબંધિત નિયમોમાં રાહત આપવામાં આવી છે. આ નવા ફેરફારથી હવે તેમને સરનામાના પુરાવા (Address Proof) રજૂ કરવામાં અગાઉની જેમ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.
આ ખાતાઓ પર લાગુ થશે નવો નિયમ
13 નવેમ્બર, 2026ના રોજના પરિપત્ર મુજબ, પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી (PFRDA) એ જણાવ્યું છે કે નિયમનકારી સંસ્થાઓએ નાવિક કાર્ય પ્રોફાઇલ ધરાવતા NRI સબ્સ્ક્રાઇબર્સ માટે સરનામાના પુરાવા તરીકે રોજગાર સંબંધિત ચોક્કસ દસ્તાવેજો સ્વીકારવા આવશ્યક છે. નિયમોમાં આ ફેરફાર NPS ટાયર 1 ખાતા ખોલવા પર લાગુ થશે. PFRDA ના આ પગલાથી જહાજ માલિકોને મદદ મળશે, જેમને ઘણીવાર તેમના વિદેશી સરનામાનો પુરાવો આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે લોકો હવે આ સરકારી યોજના હેઠળ ખાતા ખોલી શકશે.
NRI નાવિકો કયા દસ્તાવેજો સબમિટ કરી શકે છે?
NPSના નવા નિયમો અનુસાર, NRI નાવિકો હવે સરનામાના પુરાવા તરીકે કોઈ એક દસ્તાવેજ રજૂ કરીને પોતાનું પેન્શન ખાતું ખોલાવી શકશે. આમાં પ્રથમ વિકલ્પ એમ્પ્લોયર અથવા શિપિંગ કંપની સાથેનો માન્ય રોજગાર કરાર (Employment Contract) છે. આ સુવિધા એવા નાવિકો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવા કોન્ટ્રાક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે.
બીજો વિકલ્પ કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (CDC)નો છે. જોકે, આ દસ્તાવેજ પર લાગેલો ડિસએમ્બાર્કેશન સ્ટેમ્પ અથવા તેમાં નોંધાયેલ રેકોર્ડ 6 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ આ બંને દસ્તાવેજો દ્વારા ખાતાધારકની નોકરી અને NRI તરીકેની સ્થિતિની પુષ્ટિ કરવામાં મદદ મળશે. સાથે જ, NPS ખાતું ખોલાવવાની પ્રક્રિયા દરમિયાન વિદેશના સરનામાનો પુરાવો રજૂ કરવામાં પડતી મુશ્કેલીઓ પણ દૂર થશે.
જો નાવિક વહાણ પર ગયો હોય તો શું?
PFRDA દ્વારા હાલમાં જહાજ પર ફરજ બજાવી રહેલા નાવિકો માટે પણ સરનામા સંબંધિત નિયમોમાં સરળતા કરવામાં આવી છે. આવા કેસમાં ખાતાધારકો પોતાના વર્તમાન સરનામા તરીકે એમ્પ્લોયરનું વિદેશમાં આવેલું સરનામું અથવા પોતાનું ભારતીય સરનામું આપી શકશે. આ ફેરફારથી NRI નાવિકો માટે NPS ખાતું ખોલાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
નિયમ કેમ બદલવામાં આવ્યો છે ?
PFRDAના જણાવ્યા અનુસાર, દરિયાઈ માર્ગે જહાજોમાં કામ કરતા નાવિકોને ઘણીવાર વિદેશના રહેણાક સરનામાના પરંપરાગત દસ્તાવેજો રજૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણે NPSમાં નોંધણી માટે પાત્ર હોવા છતાં ઘણા લોકોને ખાતું ખોલાવવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે અથવા અન્ય મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમ નવા નિયમો અમલમાં આવસે તેમજ આવી સમસ્યાઓ દૂર થઈ જશે.
આ ફેરફારનો મુખ્ય હેતુ ખાતાધારકની ઓળખ, તેની રોજગાર સ્થિતિ અને તે બિન-નિવાસી ભારતીય (NRI) છે કે નહીં તેની યોગ્ય ચકાસણી સુનિશ્ચિત કરવાનો છે. PFRDA દ્વારા કરવામાં આવેલો આ નવો ફેરફાર 13 નવેમ્બર, 2026ના રોજ જારી કરવામાં આવ્યો હતો અને તે જ તારીખથી અમલમાં આવ્યો છે.