International Men’s Day : બધાની ખુશી માટે જીવતા પુરુષો પોતાનું દુઃખ કેમ છુપાવે છે? જાણો તેમની અનકહી કહાની
International Men's Day : ભારતમાં મોટાભાગના ઘરોમાં પુરુષો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સવારે વહેલા ઘરેથી નીકળી જાય છે અને રાત્રે મોડા ઘરે પાછા ફરતા હોય છે. વિવિધ જવાબદારીઓ, કામનું દબાણ અને કારકિર્દીની રેસ દોડવામાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા નથી. જેના કારણે કેટલીક વખત પુરુષો તેમની વાસ્તવિક ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાવા લાગે છે.

પુરુષો પૈસા કમાવવા અને ઘરના લોકોને સારી સગવડ આપી શકે તે માટે તેઓ સવારથી રાત સુધી કામ કરતા હોય છે. જેમાં તેઓ માનસિક અને શારિરીક સ્વાસ્થ્યને પણ અવગણે છે જેની જાગૃતિ લાવવા માટે આજે એટલે કે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દરેક વર્ષે અલગ-અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ "ધ ફ્યુચર ઈઝ એવરીવન" (The Future Is Everyone - ભવિષ્ય સૌનું છે) છે. આ થીમનો ઉદ્દેશ્ય પુરુષો અને છોકરાઓની ભૂમિકાઓ, તેમના યોગદાન અને તેમના દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઉજાગર કરવાનો છે.

પુરુષોની ઉંમર જેમ-જેમ વધતી જતી હોય છે તેમ તેમની અસર સ્વાભાવિક રીતે તેમના ચહેરા પર જોવા મળે છે, જેના કારણે કેટલીક વખત તેમના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. નિસ્તેજ ત્વચા, આંખોની નીચે કાળા કુંડાળા, વાળ ખરવા અને ઊર્જાના સ્તરમાં ઘટાડો જેવા સંકેતો કેટલાક વ્યક્તિઓમાં વધુ સ્પષ્ટપણે જોવા મળે છે, જે તેમના સમગ્ર વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી શકે છે.

કોઈ પણ વ્યક્તિની સારી જીવનશૈલીમાં મહત્વનો મુદ્દો ઊંઘ છે. સવારે વહેલા જવા અને રાત્રે મોડા ઊંઘવાના કારણે તેમના ચહેરા પર તેની અસર જોવા મળે છે. સતત અપૂરતી ઊંઘ અને મોબાઈલ ઉપકરણોના વધુ પડતા ઉપયોગને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ્સ થઈ શકે છે. ઊંઘ દરમિયાન, આપણું શરીર અને ત્વચા "રિપેર મોડ" માં પ્રવેશે છે.

કેટલાક પુરુષોને પરિવાર, નોકરી અને પૈસાને લઈને પડકારજનક સ્થિતિ ઉભી થતી હોય છે. જે તેમના મન અને શરીર બંનેને તણાવમાં મૂકે છે. લાંબા સમય સુધી વધારે પ્રમાણમાં કોર્ટિસોલ વધવાના કારણે પણ વૃદ્ધ દેખાય છે.

દિવસ દરમિયાન કામના દબાણમાં મોટાભાગના પુરુષો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. તેમજ ફળો, શાકભાજી અને આવશ્યક પોષક તત્વોના અભાવના કારણે પણ તેમની ત્વચા અને વાળ બંને પર નકારાત્મક અસર જોવા મળે છે.

સામાન્ય રીતે, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ વખત સિગારેટ અને દારૂનું સેવન કરે છે. બંને આદતો માત્ર જીવલેણ જોખમો જ નહીં પરંતુ વૃદ્ધત્વ પ્રક્રિયાને પણ વેગ આપે છે. વધુમાં, આવા વ્યસનો કૌટુંબિક સંઘર્ષ તરફ દોરી શકે છે અને પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે બગડી શકે છે. સિગારેટમાં જોવા મળતા હાનિકારક રસાયણો ત્વચામાં રક્ત પ્રવાહને બગાડે છે.
આ પણ વાંચો : Ice Cream vs Frozen Dessert : આઈસ્ક્રીમ ખાઓ છો કે ફ્રોઝન ડેઝર્ટ? બંને વચ્ચે છે મોટો તફાવત, ખરીદતા પહેલાં જાણી લો
