દિલ્હીમાં ‘INDIA’ ગઠબંધનમાં તિરાડ? કોંગ્રેસે તમામ 7 બેઠકો પર ચૂંટણી લડવાની કરી જાહેરાત
ભારતના ઈતિહાસમાં જ્યારે જ્યારે સરકારને પાડવા માટે મહાગઠબંધન રચાયુ છે, ત્યારે એકતાને અભાવને કારણે તે નિષ્ફળ જ રહ્યું છે. વિપક્ષીય પાર્ટીના INDIA મહાગઠબંધનમાં પણ આવી જ ગતિવિધી જોવા મળી રહી છે. દેશની રાજધાનીમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી છે.

ભાજપ અને વિપક્ષ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવાના ઉદ્દેશ્ય સાથે 26 વિપક્ષી દળો એકસાથે આવ્યા હતા. તેણે પોતાના જોડાણને INDIA નામ આપ્યું. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક બાદ પાર્ટીના નેતાઓના નિવેદનથી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

આજે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોંગ્રેસના નેતાઓએ નિવેદન આપ્યું હતું કે પાર્ટી દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતાઓના નિવેદન બાદ આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા આવી છે.

કોંગ્રેસના નેતાઓએ નિવેદન આપ્યું હતું કે પાર્ટી નેતૃત્વને દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે મજબૂત તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન કોંગ્રેસના નેતાઓના નિવેદનોના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, આમ આદમી પાર્ટીએ કહ્યું કે જો કોંગ્રેસે દિલ્હીમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તો પછી ભારત ગઠબંધનનો અર્થ શું છે?

દિલ્હીમાં ત્રણ મુખ્ય પક્ષો છે - આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. લોકસભા ચૂંટણીને લઈને એક મંચ પર આવેલા વિરોધ પક્ષોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સામેલ છે. આવી સ્થિતિમાં રાજધાનીની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો કોંગ્રેસનો નિર્ણય મહાગઠબંધન માટે કોઈ આંચકાથી ઓછો નથી.