Gold Tips: સોનું ખરીદતી વખતે ચાર બાબતો પર ખાસ ધ્યાન આપજો નહીતર છેતરાઈ જશો
સામાન્ય રીતે લોકો સોનું ખરીદવા જાય ત્યારે ફક્ત તેની શુદ્ધતા પર જ વધુ ધ્યાન આપે છે. જો કે, સોનું ખરીદતી વખતે ચાર બાબતો એવી છે કે જેના પર તમારે વધારે ભાર મૂકવો જોઈએ. તો ચાલો જાણીએ કે, સોનું ખરીદતી વખતે કઈ ચાર બાબતો ધ્યાનમાં રાખવી.

સોનું એટલું મોંઘું છે કે તેની શુદ્ધતા ચકાસવામાં અથવા તો વજન માપવામાં જો કોઈ નાની ભૂલ થાય તો આપણને મોટું નુકસાન ભરવું પડી શકે છે. ખાસ વાત તો એ કે, લોકો સોનું ખરીદે ત્યારે તેની શુદ્ધતા પર વધુ ધ્યાન આપે છે પરંતુ આ સિવાય કેટલીક બાબતો એવી છે કે જે સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

મેકિંગ ચાર્જ: દરેક સોનાના દાગીના સાથે મેકિંગ ચાર્જ લાગુ હોય છે, જે હકીકતમાં દાગીના બનાવવામાં લાગેલા શ્રમ માટે લેવામાં આવતો ખર્ચ છે. ઘણા જ્વેલર્સ મેકિંગ ચાર્જ વધારે વસૂલતા હોય છે, જ્યારે તેના માટે કેટલાક નિયમો નક્કી થયેલા હોય છે. આથી સોનાની જ્વેલરી ખરીદતાં પહેલા, જ્વેલર્સ દ્વારા લેવામાં આવતા મેકિંગ ચાર્જની સારી રીતે તપાસ કરો.

યોગ્ય વજન: સોનાના દાગીના વજન પ્રમાણે વેચવામાં આવે છે એટલે વજનમાં જો થોડીક પણ હેરફેર થાય તો તે ગ્રાહકોને ભારે પડી શકે છે. ઘણીવાર હીરા અને અન્ય કિંમતી પથ્થરો સોનાના દાગીનામાં જોડવામાં આવે છે, જેના કારણે તેનું વજન વધી જાય છે. ખાસ વાત તો એ કે, જ્વેલર્સ હીરા અલગ રાખીને જ દાગીનાનું વજન માપે છે અને તેના આધારે ગ્રાહકો પાસેથી ચુકવણી લેવામાં આવે છે. આથી દાગીના ખરીદતી વખતે વજન બાબતે ખાસ ધ્યાન રાખવું.

બાયબેક પોલિસી: દેશમાં મોટાભાગના જ્વેલર્સ સોનાના દાગીના પર બાયબેક પોલિસી આપે છે, જેમાં વ્યક્તિ પોતાના જૂના દાગીના આપીને નવા દાગીના ખરીદી શકે છે. ડિઝાઇન અને ટ્રેન્ડમાં બદલાવ આવી શકે છે પણ સોનાની કિંમત લગભગ સરખી રહે છે. આથી ખરીદી કરતા પહેલા જ્વેલર્સ પાસેથી બાયબેક પોલિસી વિશે અવશ્ય જાણી લો.

વિશ્વસનીય દુકાન: ભારતમાં સોનાના દાગીના માટે હજારો દુકાનો અને શોરૂમ છે પણ સોનું હંમેશા વિશ્વસનીય અને જાણીતી દુકાનમાંથી જ ખરીદવું જોઈએ. નાની દુકાનો પરથી સોનું ખરીદવું થોડું જોખમભર્યું કામ છે. નાની દુકાનોના વ્યાપારી અશુદ્ધ સોનું શુદ્ધ સોના તરીકે વેચી શકે છે અથવા તો તે ચોરાયેલું સોનું પણ આપી શકે છે. આથી સોનું ખરીદતી વખતે GST વાળું પાકું બિલ અવશ્ય લેવું.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો






































































