વડતાલમાં 250 કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન, સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર રહેશે અડીખમ
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગોમતી તળાવના કિનારે રાજમહેલ જેવા ભવ્ય અક્ષર ભુવન બનાવવામાં આવી રહ્યું છે. જેનું 30% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. 4, 70, 150 સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે.


વડતાલ મંદિરના કોઠારી ડૉક્ટર સંતવલ્લભસ્વામીએ અક્ષર ભુવનના કન્સ્ટ્રક્શન અને તેની વિશેષતા અંગે વાત કરતા કહ્યું કે, “અત્યારે વડતાલમાં ગોમતી તળાવના કિનારે મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ ચાલી રહ્યું ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે.આ પહેલાં તેના પાયામાં દોઢ લાખ સ્ક્વેર ફૂટમાં 3 ફૂટની હાઇટવાળો ચૂનાનો સ્લેબ બનાવ્યો હતો, જેની ઉપર ચાર ફૂટના ગ્રેનાઇટ પથ્થરથી લેયર કરવામાં આવ્યું છે.

અક્ષરભુવનના બાંધકામમાં ક્યાંય લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરાશે નહીં ભારતીય પૌરાણિક બાંધકામ પરંપરા મુજબ જ આખું અક્ષર ભુવન બનાવવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે. આખા મ્યુઝિયમ ફરતે 18 ફૂટની 5 ફૂટ પહોળી ગ્રેનાઈટની વોલ આવશે અને દોઢ ફૂટનું લાલ પથ્થરનું ગ્લેડિંગ કરાશે.

ડૉ. સંતવલ્લભસ્વામીએ એમ પણ જણાવ્યું કે, જ્યારે પાયાનું કામ પૂર્ણ થયું ત્યારે અમે ભૂકંપ પ્રૂફિંગ માટે 1200 ટનથી વધુ વજન મૂકી જેકથી ચેક પ્રેશર ચેક કર્યું હતું. જેમાં પાયો એમને એમ જ રહ્યો હતો તેમાં જરાપણ અસર થઈ નહોતી. એટલે એના પરથી કહી શકાય કે, ગમે એવો ભૂકંપનો ઝટકો પણ અક્ષર ભુવનના બિલ્ડિંગને જરાપણ અસર કરશે નહીં. આ અક્ષર ભુવનમાં 4 મોટા ઘુમ્મટ, 31 નાના ઘુમ્મટ, 16 સામરણ હશે.

મ્યુઝિયમની અંદર એક VIP સ્વાગત કક્ષ, 9 વિશાળ પ્રદર્શન ખંડ અને સંત આશ્રમ બનાવવામાં આવશે. તો મ્યુઝિયમની વચ્ચોવચ કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 52 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે.

અક્ષર ભુવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં 68 X 36 X 36 ટનના ખડસલ તૈયાર થઈ ગયા છે. તેની ઉપર 44 X 44 X 30 સ્ક્વેર ફૂટની કુંભી લગાવવામાં આવશે. જેના 340 પીસ લગાવી દીધા છે. આ પછી તેના ઉપર મેઇન પાર્ટ 18 નંગ ભરણી લગાવવામાં આવી છે, જેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો કોલમની વચ્ચે 564 કમાન 36 X 36 X 101 સ્ક્વેર ફૂટની સાઇઝના લગાવવામાં આવશે. જેમાંથી 112 કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે.

51 X 51 X 12ની ભરણીમાં 78 X 78 X 22ના ભેટાસરું 15 પણ લગાવી દીધા છે. ટોટલ કોલમ નીચેના માળમાં 502 કોલમ હશે. જેમાં પોલિસ કરેલા 340 કોલમ અને 162 રફ કોલમ હશે. જેમાં ચાર લેયરનું કામ પૂરું થઈ ગયું છે અને પાંચમા લેયરનું કામ ચાલું છે.

ગયા વર્ષે રાજસ્થાનથી લાવવામાં આવેલો ચૂનો 4000 ટન વપરાયો છે અને આ વર્ષે 1680 ટન વપરાયો છે. તો 9 X 7 X 15 સ્ક્વેર ફૂટની સાઇઝના બેલા 1,32,713 કાલ સાંજ સુધી ફીટ થઈ ગયા છે અને બીજા લગાવવામાં આવી રહ્યા છે. અહીં અત્યારે 150 કારીગર દિવસના 16-16 કલાક કામ કરી રહ્યા છે. આ અક્ષર ભુવનનું કામ આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.

અક્ષર ભુવનમાં પ્રદર્શન માટે મૂકાનારી વસ્તુ અંગે ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, “આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.”

































































