હવે બીજી કઈ ખુશખબરી મળશે ? GST સુધારા બાદ સરકાર વધુ એક ભેટ આપવાની તૈયારીમાં, જાણો કોને થશે આનો ફાયદો
કેન્દ્ર સરકારે GST દરોમાં ફેરફાર કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જો કે, સરકાર હવે વધુ એક ભેટ આપવાની તૈયારીમાં છે. હવે GST સુધારા બાદ બીજી કઈ ભેટ મળશે, તે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ટેરિફથી પ્રભાવિત નિકાસકારોને મદદ કરવા માટે ટૂંક સમયમાં કેટલીક યોજનાઓ જાહેર થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલ 50 ટકા ટેરિફને કારણે કપડાંના અને જ્વેલરીના બિઝનેસ સાથે જોડાયેલા નિકાસકારો હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત ચામડા અને ફૂટવેર, કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો, કૃષિ અને દરિયાઈ નિકાસ ક્ષેત્રના નિકાસકારો પણ નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. જો કે, સરકાર નાના નિકાસકારોની સમસ્યા દૂર કરવા અને મૂડી પરનો દબાણ ઓછો થાય તે માટે યોજના બનાવી રહી છે. આનાથી નોકરીઓ સુરક્ષિત રહેશે અને નિકાસકારોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો ન મળે ત્યાં સુધી ઉત્પાદન ચાલુ રાખવામાં મુશ્કેલી ન પડે, તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

આ માટે સરકાર એક નવું પ્રોત્સાહન પેકેજ (Stimulus Package) લાવવાનું વિચારી રહી છે, જે કોવિડ દરમિયાન MSME ક્ષેત્રને મળેલા પેકેજ જેવું હશે. આ સાથે સાથે, સરકાર 'એક્સપોર્ટ પ્રમોશન મિશન' પર પણ કામ કરી રહી છે, જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ મહિનામાં ભારત પર 50% રેસિપ્રોકલ ટેક્સ લાદ્યો હતો. આ પહેલા અમેરિકાએ ટ્રેડ ડેફિસિટનો હવાલો આપીને ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. આ પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દા પર ભારતના એક્સપોર્ટ પર વધારાનો 25% ટેક્સ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, ફેડરલ સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સે ટ્રમ્પના આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. એવામાં ટ્રમ્પ પ્રશાસને કોર્ટમાં દલીલ કરી હતી કે, યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેક્સ લાદવો જરૂરી છે. અમેરિકાને 'ટ્રેડ ડેફિસિટ'થી બચાવવા માટે ટેરિફ લાદવામાં આવ્યો હતો, જેનાથી આર્થિક નુકસાનને અટકાવી શકાય.
GST ને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
