Dangerous Dogs: 5 સૌથી આક્રમક કૂતરાઓની જાતિ! ભૂલથી પણ સામે આવ્યા તો સમજી જજો કે, ‘મોતને દાવત આપી’
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના પોતાના નિર્ણયમાં સુધારો કરીને કહ્યું કે, આક્રમક અને હિંસક કૂતરાઓને છોડવામાં આવશે નહીં. તેમને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે. એવામાં ચાલો જાણીએ, વિશ્વના 5 સૌથી આક્રમક કૂતરા કયા કયા છે...

સુપ્રીમ કોર્ટે શુક્રવારે રખડતા કૂતરાઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે 11 ઓગસ્ટના પોતાના નિર્ણયમાં સુધારો કરીને કહ્યું કે, આક્રમક અને હિંસક કૂતરાઓને છોડવામાં આવશે નહીં. તેમને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે.

વધુમાં 11 ઓગસ્ટના નિર્ણય પછી પકડાયેલા કૂતરાઓની નસબંધી કરવામાં આવશે. તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવશે. આ પછી તેમને તે જ જગ્યાએ છોડી દેવામાં આવશે જ્યાંથી તેઓ પકડાયા હતા.

ભલે આ નિર્ણય રખડતા કૂતરાઓ માટે હોય પણ દુનિયાભરમાં કૂતરાઓની ઘણી જાતિઓ છે, જે આક્રમક વર્તન માટે જાણીતી છે. તો ચાલો જાણીએ કે, દુનિયાના 5 સૌથી આક્રમક કૂતરા કયા છે.

અમેરિકન પિટબુલ ટેરિયર: આ જાતિના કૂતરાઓને સામાન્ય રીતે પિટબુલ કહેવામાં આવે છે. પિટબુલ સામાન્ય રીતે આક્રમક હોય છે અને અજાણ્યાઓથી સાવધાન રહે છે. જો કે, જે પિટબુલને તાલીમ આપવામાં આવી નથી તે સામાન્ય રીતે પ્રેમાળ, પાલતુ પ્રાણી હોય છે અને સ્વાભાવિક રીતે આક્રમક નથી હોતા.

જર્મન શેફર્ડ: જર્મન શેફર્ડને ખૂબ જ બુદ્ધિશાળી કૂતરો માનવામાં આવે છે. તે પોલીસ અને શોધ કામગીરીમાં ઘણી ભૂમિકાઓ ભજવે છે. સૂંઘવાની ક્ષમતાને કારણે તેને કામગીરીનો ભાગ બનાવવામાં આવે છે. જો કે, આ કૂતરાને પણ તાલીમ આપવામાં આવે છે. તેમનું કદ અને સક્રિય શરીર પહેલી નજરે ડરામણું લાગે છે. તેમનું આક્રમક વર્તન અજાણ્યા લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે પરંતુ જો તેઓ નાની ઉંમરે લોકોને અને પ્રાણીઓને મળે, તો તે પ્રેમાળ પાલતુ પ્રાણી બની શકે છે.

રોટવીલર કૂતરો: રોટવીલરને આક્રમક કૂતરો માનવામાં આવે છે. તેમના જાડા, સ્નાયુબદ્ધ શરીરનું વજન 150 પાઉન્ડથી વધુ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, માલિકની યોગ્ય તાલીમ અને સંભાળથી રોટવીલરને સામાજિક બનાવી શકાય છે. તેમને પ્રેમાળ અને શાંત પાલતુ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી શકે છે પણ હંમેશા તેમની દેખરેખ રાખવી જરૂરી છે.

ડોબરમેન પિન્સર: ડોબરમેન પિન્સર સૌથી બુદ્ધિશાળી કૂતરાઓની જાતિઓમાંની એક છે. તેમના તીક્ષ્ણ મનને કારણે તેઓ ઘણીવાર પોલીસ અને રક્ષક કૂતરા તરીકે ઉપયોગમાં લેવાય છે. પાલતુ તરીકે તેઓ તેમના પરિવારના સભ્યો પ્રત્યે નમ્ર હોય છે પરંતુ અજાણ્યાઓ પ્રત્યે નહીં. જો તેમને લાગે કે તેમનું ઘર અથવા પરિવાર જોખમમાં છે, તો તેઓ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. માલિકનું રક્ષણ કરતી વખતે તેઓ ખૂબ જ ખતરનાક બની શકે છે.

સાઇબેરીયન હસ્કી: હસ્કી ખૂબ જ ઊર્જાવાન અને આક્રમક હોઈ શકે છે. તેઓ નાના બાળકો માટે જોખમી હોવાનું કહેવાય છે. તેઓ અલાસ્કા સ્લેજ રેસિંગ દરમિયાન તેમની એથ્લેટિક ક્ષમતા બતાવવા માટે પણ જાણીતા છે. હતાશ થવા પર તેઓ આક્રમક વર્તન કરી શકે છે. તેઓ પડોશમાં નાના પ્રાણીઓ પર હુમલો કરી શકે છે, તેથી બીજા ઘરના પાલતુ પ્રાણીઓ સાથે સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
