અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનને ચારેબાજુથી ઘેર્યું હતું. તેમણે કહ્યું કે પડોશી દેશ સાથે માત્ર એક જ મુદ્દો ઉકેલવાનો છે અને તે મુદ્દો છે પાકિસ્તાન દ્વારા POKમાં ગેરકાયદે કબજો જમાવેલ ભારતીય વિસ્તારને ખાલી કરાવવાનો.
વિદેશ મંત્રી એસ જયશંકરે, ગઈકાલ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ મંચ પરથી કેટલીક અજૂગતી વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છું કે, સરહદ પર આતંકવાદની પાકિસ્તાનની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેને સજામાંથી બચાવવાની કોઈ આશા ના રાખવી જોઈએ.
પાકિસ્તાન તરફ ઈશારો કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ઘણા દેશો તેમના નિયંત્રણ બહારના સંજોગોને કારણે પાછળ રહી ગયા છે, પરંતુ કેટલાક લોકો જાણીજોઈને પસંદગી કરે છે જેના વિનાશક પરિણામો આવે છે. આનું મુખ્ય ઉદાહરણ અમારા પાડોશી પાકિસ્તાન છે. કમનસીબે, તેમના દુષ્કૃત્યો અન્યોને પણ અસર કરે છે. તેની જીડીપી માત્ર કટ્ટરવાદ અને આતંકવાદના સ્વરૂપમાં તેની નિકાસના સંદર્ભમાં માપી શકાય છે. આજે એવું લાગે છે કે તે જે બુરાઈઓ બીજાઓ પર થોપવા માંગે છે તે તેના જ સમાજને ખેદાનમેદાન કરી રહી છે.
‘આતંકવાદના વિનાશક પરિણામો આવશે’
પાકિસ્તાનને સલાહ આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીના ચોક્કસપણે વિનાશક પરિણામ આવશે. અમારી વચ્ચે ઉકેલપાત્ર મુદ્દો ફક્ત એ જ છે કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરાવવાનો છે અને ચોક્કસપણે આતંકવાદ સાથે પાકિસ્તાનના લાંબા સમયથી ચાલતા જોડાણને છોડી દેવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે, સત્ય એ છે કે વિશ્વ ખંડિત, ધ્રુવીકરણ અને નિરાશ છે. વાટાઘાટો મુશ્કેલ બની છે, કરારો વધુ મુશ્કેલ બની ગયા છે. આ ચોક્કસપણે એવું નથી જે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપકો અમને કરવા માંગતા હોત. આજે આપણે શાંતિ અને સમૃદ્ધિ બંનેને સમાન રીતે જોખમમાં મૂક્યા છીએ અને તેનું કારણ એ છે કે વિશ્વાસ ઊડી ગયો છે.
Our Statement at the General Debate of the 79th session of #UNGA.#UNGA79 https://t.co/wBoRKOClS4
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 28, 2024
વિદેશ મંત્રીએ કહ્યું- આપણે મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ
વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે યુએનજીએની 79મી થીમ ‘કોઈને પાછળ નહીં છોડતા’નું મજબૂત સમર્થન કરીએ છીએ. આપણે મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ. વિશ્વ હજી પણ કોવિડ રોગચાળાના વિનાશમાંથી બહાર આવ્યું નથી. યુક્રેનમાં યુદ્ધ તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે અને ગાઝામાં સંઘર્ષ વ્યાપક પ્રભાવ પ્રાપ્ત કરી રહ્યો હોવાનું જણાય છે.
સૌને સાથે મળીને કામ કરવા અપીલ
તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા કુદરતી રીતે બહુવચનવાદી અને વૈવિધ્યસભર છે. સંયુક્ત રાષ્ટ્રની શરૂઆત 51 સભ્યો સાથે થઈ હતી, હવે અમારી પાસે 193 સભ્યો છે. દુનિયા ઘણી હદે બદલાઈ ગઈ છે અને ચિંતાઓ અને તકો પણ છે. એકસાથે આવીને, અમારા અનુભવો શેર કરીને, સંસાધનો એકત્રિત કરીને અને અમારા સંકલ્પને મજબૂત કરીને, અમે વિશ્વને વધુ સારી રીતે બદલી શકીએ છીએ.