Pakistan : ઓછી નથી થઈ રહી ઈમરાન ખાનની મુશ્કેલીઓ, હવે જમીન કૌભાંડમાં 19મી જૂને હાજર થવા સમન્સ
ઈમરાન ખાન વિરુદ્ધ વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાન વિરુદ્ધ કુલ કેસની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે. ખાન સામેના મોટાભાગના કેસ આતંકવાદ, હિંસા માટે ઉશ્કેરણી, નિંદા, ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પીટીઆઈના વડા ઈમરાન ખાનને પંજાબમાં 625 એકર જમીન બહુ ઓછી કિંમતે ખરીદવાના આરોપમાં સોમવારે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. લૈય્યાહ જમીન કૌભાંડના નામે ચગેલા કૌંભાડમાં, ઈમરાનની સાથે કોર્ટે તેની બહેન ઉઝમા ખાન અને તેના પતિ અહદ મજીદને પણ સમન્સ જાહેર કર્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી એસ્ટાબ્લિશમેન્ટ (Anti-Corruption Establishment-ACE) પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈમરાનને 19 જૂને ACE હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે તેની બહેન અને તેના પતિએ ACE DG સમક્ષ હાજર થવું પડશે.
ઈમરાન સામે કૌભાંડમાં સંડોવણીના પુરાવા
આ પહેલા ઈમરાનને 16 જૂને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. ACE પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઈમરાનખાન વિરુદ્ધ કૌભાંડમાં તેની સંડોવણીના મજબૂત પુરાવા છે. પ્રવક્તાએ કહ્યું કે, ઇમરાનખાનના સત્તાવાર નિવાસસ્થાનથી, જમીનના ગેરકાયદેસર ટ્રાન્સફર માટે મહેસૂલ અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું તેના પુરાવાઓ મળી આવ્યા છે.
ACEના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જમીન 2021-22માં ઓછા ભાવે ખરીદવામાં આવી હતી અને ઉઝમા અને મજીદે છેતરપિંડીથી જમીન તેમના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. જમીનની બજાર કિંમત આશરે રૂ. 6 બિલિયન હતી, તેમણે ઉમેર્યું હતું કે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ થલ કેનાલ દ્વારા ઉજ્જડ જમીનમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી ગ્રેટર થલ કેનાલ પ્રોજેક્ટ માટે સહાયની જાહેરાત કરી ત્યારે આ જમીન સસ્તા અને ઓછા ભાવે ખરીદી કરવામાં આવી હતી.
લોકો પાસેથી બળજબરીથી જમીન ખરીદવાની ફરિયાદ
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉઝમાને પ્રોજેક્ટ વિશે અગાઉથી જાણકારી હતી અને દંપતીએ મકાનમાલિકોને તેમની જમીન વેચવા દબાણ કર્યું હતું. તેમણે કહ્યું કે જમીન માલિકોએ તેમની જમીન બળજબરીથી ખરીદવા બદલ ઉઝમા અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ACE એ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ ઘણા વર્ષોથી ત્યાં રહેતા સ્થાનિક લોકો પાસેથી જમીન પડાવી લેવા માટે રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો.
છેતરપિંડીમાં સામેલ અન્ય અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. ઈમરાનખાન પર રવિવારે લૈય્યાહ જમીન ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ તેમની સામેના કુલ કેસોની સંખ્યા હવે 140ને પાર કરી ગઈ છે. ઈમરાન ખાનના કેસ મોટાભાગે આતંકવાદ, લોકોને હિંસા માટે ઉશ્કેરવા, આગચંપી, નિંદા, હત્યાનો પ્રયાસ, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સાથે સંબંધિત છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો