Tapi : રાષ્ટ્રધ્વજ માટે વાંસમાંથી સ્ટિક બનાવવાનો મોટો ઓર્ડર મળતા તાપીની આદિવાસી બહેનોમાં ભારે ઉત્સાહ
રાષ્ટ્રધ્વજના (National flag )નિર્માણ માટે અંદાજીત પાંચ લાખથી વધુ સંખ્યામાં વાંસમાંથી સ્ટીક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

આઝાદી કા અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણીની(Celebration ) શરૂઆત થઈ ગઈ છે. દેશ (India ) પ્રત્યે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના આ અવસર ને લોકો અનેક રીતે વધાવવા તૈયાર છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાથી ફક્ત 5 કિ..મી.ના અંતરે આવેલ છીંડિયા ગામના આદિમજૂથના કોટવાડિયા સમાજના લોકોને આ મહોત્સવ ખરેખર જાણે ફળ્યો હોય એવું સાબિત થયું છે. તેઓ ઘણા ઉત્સાહથી હાલ રાષ્ટ્રધ્વજ બનાવી રહ્યા છે. કારણ કે તેમને રાષ્ટ્રધ્વજના નિર્માણ માટે અંદાજીત પાંચ લાખથી વધુ સંખ્યામાં વાંસમાંથી સ્ટીક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.
રાષ્ટ્રધ્વજ માટે પાંચ લાખ સ્ટિક બનાવવાનો મળ્યો ઓર્ડર
તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને સમગ્ર પંચાયત તંત્રના સંકલનથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કોટવાડિયા જાતિના લોકો સામે જઈને સૌથી પહેલા “હર ઘર તિરંગા” માટે વાંસ માંથી સ્ટીક બનાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારે છીંડિયા ગામના લોકોને વાત કરતા જ લોકો આ વાતથી ખુશ થઈ ગયા કારણ કે તેઓને કલ્પના પણ ન હતી કે આટલી મોટી સંખ્યામાં તેમને કામ મળશે.
વાંસમાંથી અનેક વસ્તુઓ બનાવવાનું છે હુનર :
એક નાનો આઈડિયા મોટુ કામ કરી ગયો અને તેમના માટે વિપુલ માત્રામાં રોજગારીનું સર્જન થયું. દક્ષિણ ગુજરાતમાં રહેતા કોટવાડીયા જાતિ ના લોકો આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ પછાત છે. તેઓની વાંસ માંથી ચીજ-વસ્તુઓ બનાવવાની કલા ખુબ જ જાણીતી છે. ડેકોરેશનની વસ્તુ હોય કે ઘરવપરાશની ચીજ ની જરૂરિયાત હોય તેઓ પોતાની કલ્પનાથી વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનો હુનર આ ધરાવે છે. પારંપારિક ભાતીગળ સંસ્કૃતિના દર્શન હજુ પણ આ ગામડાઓમાં જોવા મળે છે.
તેમના દ્વારા ખેતી કામમાં ઉપયોગમાં આવતી ઘણી બધી વસ્તુઓ વાંસમાંથી બનાવવામાં આવે છે. જેમાં સુપડા,ટોપલા,ટોપલી,ડાલુ, અનાજ ભરવાના ટોપલા વગેરે પારંપરિક વસ્તુઓ તેઓ બનાવે છે. પણ તેમના આ હુનર થાકી તેઓને વધુ પૈસા મળી રહે તે માટે પ્રવાસન ઉદ્યોગને વેગ આપતી કલાત્મક અને ડેકોરેશનની વસ્તુ બનાવવા માટે સરકાર તરફથી પણ વિશેષ પ્રયત્નો ચાલી જ છે.
ત્યારે હવે પીએમ મોદીના હર ઘર તિરંગા અભિયાન માટે મોટા જથ્થામાં વાંસની લાકડીની જરૂરિયાત ઉભી થશે, અને ખાસ કરીને વાંસકામની કલામાં આવડત ધરાવતા કોટવાડીયા લોકો એ આ ચેલેન્જને સ્વીકારી છે, અને તેમની જરૂરિયાત પુરી કરવા માટે કામે લાગ્યા છે. આનાથી તેમને રોજગારી પણ મળશે અને તેમના ઉત્સાહમાં વધારો પણ થશે.