Surat: પાંડેસરામાં પ્રયાગરાજ કાપડ મિલમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
Surat: પાંડેસરામાં આવેલી પ્રયાગ રાજ મિલમાં ભીષણ આગ ભભુકી ઉઠી. જેમા આગ ઓલવવા માટે 15થી વધુ ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમા મેજર કોલ જાહેર કરાયો હતો

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ પ્રયાગરાજ મિલમાં મોડી સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠી. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 15થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાની જહેમત હાથ ધરાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા મિલમાં ભીષણ આગને લઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે. આગની આ ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. મીલમાં મોડી સાંજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. પ્રયાગરાજ મીલ ડાઇન પ્રિન્ટિંગનું કામ કરે છે.મિલમાં કાપડના જથ્થામાં આગ લાગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ માળની પ્રયાગરાજ મીલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મિલમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે જોત-જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
કાપડની ડાઈંગ મિલમાં લાગી ભીષણ આગ
પાંડેસરાની પ્રયાગરાજ મિલમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરાતા પહેલા પાંચ ફાયર ટેન્ડર તેની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે જે રીતે મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેને જોતા ફાયર દ્વારા વધુ ફાયરની ટીમ બોલાવવાની ફરજ પડી હતી. જેને પગલે જુદા જુદા ફાયર સ્ટેશનની ગાડીઓ સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા માટે બોલાવી હતી. ફાયર કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ ઘટનાની જાણ થયા બાદ મજુરા, પાંડેસરા, અડાજન, સચિન સહિતની ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી. જુદા જુદા ફાયર સ્ટેશનની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
મિલમાં રહેલા કાપડને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેને કારણે આગ પર કાબુ કરવામાં ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગનું સ્વરૂપ જોતા અને જે રીતે ફાયર દ્વારા જહેમત કરવામાં આવી રહી હતી તેને લઇ ફાયર બ્રિગેડ દ્વારા આગનો મેજર કોલ જાહેર કરાયો છે. પ્રયાગરાજ મીલમાં લાગેલી આગનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનુ કારણ હાલ જાણી શકાયું નથી.
કાપડ મિલમાં આગ લાગતા કરોડોનુ નુકસાન
મિલમાં કાપડનો મોટો જથ્થો હોવાથી શોર્ટ સર્કિટને કારણે કાપડના જથ્થામાં ક્યાંક આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે ફાયરની ટીમ તો આગ ઉપર કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી છે. આગની આ ઘટનામાં તેમાં હાલ તો કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જોકે ઘટનામાં મિલમાં રહેલ કાપડનો તમામ જથ્થો બળીને ખાખ થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.