Surat : શાળાઓ શરૂ થઇ તો મોંઘવારીનો વધુ એક માર, સ્કૂલ વાનના ભાડામાં વધારાથી વાલીઓના ખિસ્સા થશે ખાલી
કોરોનાના કારણે સ્કૂલો બંધ રહેતા નવી સ્કૂલ વાનના હપ્તા પણ ભરી શકાયા ન હતા અને બેંકે પણ કેટલાક વાહન જપ્ત કર્યા છે. તે સાથે ઘણાએ પોતાના પરિવારના ભરણ પોષણ માટે પણ સ્કૂલ વાન વેચવાની નોબત આવી છે.

શાળાઓ (Schools) તો શરૂ થઇ ગઈ છે. પણ વધેલી મોંઘવારી વચ્ચે વાલીઓએ હવે વધુ એકવાર આર્થિક બોજો સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે વિદ્યાર્થીને લેવા મુકવા જતી સ્કૂલ વાન (School Van) અને રિક્ષાના (Rickshaw) ભાડામાં (Fare) વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વાલીઓના (Parents) ખિસ્સા પર તેનું ભારણ વધ્યું છે.
સીએનજી અને પેટ્રોલના ભાવમાં વધારો થવાની સાથે જ ગાડીઓના વીમા અને સ્પેરપાર્ટ્સના ભાવોમાં પણ સીધો વધારો થયો છે. જેથી તેની અસરના ભાગરૂપે હવે સ્કૂલ વાનના ભાડામાં પણ રૂ. 200 થી 300 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આમ, ભાડામાં વધારો થતા જ વાલીઓના ખિસ્સા પર આર્થિક બોજો પડશે.
તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં 10 હજારથી વધારે સ્કૂલ વાન દોડે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારી હોવાથી તેમજ શાળાઓ પણ બંધ હોવાથી ભાડામાં કોઇ પણ પ્રકારનો વધારો કરી શકાયો નથી. તેવામાં જ પેટ્રોલ અને ડીઝલની સાથે હવે તો સીએનજીના ભાવો પણ સાતમા આસમાને પહોંચી ગયા છે. તેની સાથે સાથે જ વીમો, એન્જિન ઓઇલ અને સ્પેરપાર્ટ્સના ભાવો પણ વધી ગયા છે.
આમ આ બાબતોથી વાન અને રીક્ષા ચલાવનારાઓએ સ્કૂલ વાનના ભાડા વધારવાની ફરજ પડી છે. કોરોના મહામારી પહેલા 5થી 15 કિ.મી. સુધીનું સ્કૂલ વાનનું માસિક ભાડું રૂ. 800 થી 1100 જેટલું હતું. પણ હવે તે વધીને રૂ. 1000 થી 1500 સુધીનું થઇ ગયું છે. નોંધનીય છે કે સુરતમાં સ્કૂલ વાનનું ભાડું કિલોમીટર દીઠ નહીં, પણ ઉચ્ચક ભાડું જ લેવામાં આવે છે.
સરકાર રાહત આપશે તો ભાડું ઘટાડીશું : વાન સંચાલકો સ્કૂલ વાન એસોસિયેશનના પ્રમુખ ભરત શાહના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીના ભાવમાં સતત વધારો થયો છે. એટલું જ નહીં, વીમોની સાથે ગાડીનું એન્જિન ઓઇલ, પૈડાં જેવા અન્ય સ્પેરપાર્ટ્સના ભાવો પણ વધી ગયા છે. જેથી દરેકનું બજેટ ખોરવાઇ ગયું છે અને આ મોંઘવારીમાં બચત પણ રહેતી નથી. જો કેન્દ્ર કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને કોઇ રાહત આપશે તો અમે ભાડા ઘટાડી વાલીઓને રાહત આપી શકીશું.
કોરોનાના કારણે સ્કૂલો બંધ રહેતા નવી સ્કૂલ વાનના હપ્તા પણ ભરી શકાયા ન હતા અને બેંકે પણ કેટલાક વાહન જપ્ત કર્યા છે. તે સાથે ઘણાએ પોતાના પરિવારના ભરણ પોષણ માટે પણ સ્કૂલ વાન વેચવાની નોબત આવી છે. જેથી કેન્દ્ર કે રાજ્ય સરકાર અમને કોઈ આર્થિક મદદ કરે એવી અમારી રજૂઆત છે.
કિલોમીટર પહેલાનું ભાડું(રૂ.) નવું ભાડું(રૂ.) 00.01 થી 05.00 800 1000 05.01 થી 10.00 1000 1200 10.01 થી 15.00 1200 1500
આ પણ વાંચો : Surat : વાહ ! કરિયાવરમાં આ પરિવારે દીકરીને સોલાર પેનલ આપી નવો ચીલો ચીતર્યો
આ પણ વાંચો : Surat : મેટ્રો સ્ટેશનને પગલે લંબે હનુમાન ગરનાળું આજથી 1 વર્ષ માટે બંધ, લોકોની હાડમારીની શરૂઆત