તસ્કરોનો વધ્યો ત્રાસ! હિંમતનગરના શોરુમના ગોડાઉનમાંથી 3 નવી નક્કોર કારની ચોરી
સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ જાણે કે પરેશાની કરી મુકી છે. વાહનચોરીના વધતા કિસ્સાઓ બાદ હવે શો રુમના ગોડાઉનમાંથી જ તસ્કરો નવી નક્કોર કારની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. તો વળી શો રુમના સંચાલકો પણ બેદરકાર હોય એમ નવી કારનો સ્ટોક જાણે કે મહિનામાં માત્ર એકાદ બે વાર ગણતરી કરતા હોય એમ મોડે મોડે ખ્યાલ આવ્યો કે 3 કારની ચોરી થઈ ગઈ છે. ઘટના બાદ હવે પોલીસ અને શો રુમ સંચાલક બંને કારને શોધવા માટે દોડતા થઈ ગયા છે.
તસ્કરોએ શિયાળાના ચમકારા સાથે લોકોને પરેશાન કરી દીધા છે. વાહનને ખુલ્લામાં પાર્ક કરવુ કે ઘરના પાર્કિંગમાં પણ તેની સલામતી જાણે કે રહી જ ના હોય એમ તસ્કરો ચોરી આચરી રહ્યા છે. હિંમતનગર શહેરમાં આવેલા મારુતિ કારના શો રુમના ગોડાઉનમાંથી ત્રણ નવી નક્કોર કાર ચોરી થવા પામી છે. નવી કાર ચોરી થવાને પગલે કાર શો રુમના માલિકે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિરને 1 કિલો સોનું ભક્તે ભેટ ધર્યુ, અમદાવાદના ધોળકાના શ્રદ્ધાળુએ નામ ગુપ્ત રાખ્યુ
સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે કે ખુલ્લુ મેદાન મળ્યુ હોય એમ રોજ બરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને વાહનચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય એવી સ્થિતિ છે. ઠંડીના ચમકારા સાથે રહેણાંક વિસ્તારોમાં પણ તસ્કરોના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ વધતો જઈ રહ્યો છે.
લ્યો, પંદર દિવસ સુધી ખબર જ ના રહી?
હિંમનતનગર શહેરના પીપલોદી પાટીયા પાસે આવેલા મારુતિના શો રુમના સંચાલક દ્વારા ત્રણ કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે. સંચાલક સુનિલ હિવાલે દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મુજબ, તેઓને મંગળવારે સ્પષ્ટ થયુ કે તેમના શો રુમના ગોડાઉનમાંથી કારની ચોરી થઈ છે. આ મામલે સ્ટોક કરેલ કારની તપાસ કરતા ત્રણ કાર ચોરી થઈ હોવાનુ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સંચાલકે બતાવ્યુ હતુ કે, સોમવારે અને મંગળવારે સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં ત્રણ કાર નહીં મળતા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ તસ્કરો દ્વારા ટ્રુ વેલ્યુ શો રુમ પાસે રહેલ ખુલ્લા ગોડાઉનમાંથી તસ્કરો દ્વારા કારને કોઈ પણ રીતે ચાલુ કરીને ચોરી કરવામાં આવી હતી.
કઈ કઈ કારની થઈ ચોરી?
તસ્કરોએ ઉઠાવેલી ત્રણેય કાર સીએનજી આધારીત હતી. એટલે કે સીએનજી કારની ચોરી તસ્કરોએ કરી હતી અને જેની હાલમાં બજારમાં માંગ ખૂબ જ છે. તસ્કરોએ વ્હાઈટ બ્રિઝા LXI કારની ચોરી કરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા છે. જ્યારે એક ગ્રે રંગની મારુતિ સ્વિફ્ટ VXI સીએનજી કારની ચોરી કરવામાં આવી હતી. જેની કિંમત 7.85 લાખ રુપિયા છે. જ્યારે ત્રીજી કાર મારુતિ બલેનો ઝેટા સીએનજી કારની ચોરી થઈ હતી. જેની કિંમત 9.28 લાખ રુપિયાની હોવાનુ સામે આવ્યુ છે. આ ત્રણેય કારની ચોરી 6 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન કરવામાં આવી હતી.
ઘટનાને પગલે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી છે અને તસ્કરો સુધી પહોંચવા માટેની કડીઓ મેળવવાની શરુ કરાઈ છે.