રાજકોટના ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને ગામલોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી છે. તંત્ર સહિત ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવા છતા રોડની સ્થિતિમાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. રોડની કામગીરીની પૃચ્છા કરવા માટે ચોખલિયા ગામના સ્થાનિકે આખરે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ફોન જોડ્યો અને રોડની કામગીરી વિશે સવાલ કર્યા.
આ વાતચીતમાં ચોખલિયા ગામના ગ્રામજને માત્ર ધારાસભ્યને રોડની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પૃચ્છા કરતા જોઈ શકાય છે અને બે સવાલમાં તો ધારાસભ્ય અકળાઈ જાય છે અને એમને જાણે જવાબ આપવામાં પણ જોર પડતુ હોય તેમ ઉડાઉ જવાબો આપે છે. અહીં સવાલ એ છે કે માત્ર રોડની કામગીરી અંગેના બે સવાલથી આ માનનીય અકળાઈ જાય છે તો રોજેરોજ બિસ્માર ખખડધજ રસ્તા પરથી પસાર થનારા ગામલોકો કેટલા અકળાતા હશે તેનો વિચાર શું ધારાસભ્ય પાડલિયાએ કર્યો છે ક્યારેય ?
દેશના છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ શહેરના રસ્તાઓ જેવી જ સુવિધા ગામડાના લોકોને મળતી નથી. અનેક એવા ગામો છે જે અન્ય સુવિધાઓ તો છોડો સારા રસ્તાની સુવિધાથી પણ વંચિત છે અને જનતાના પ્રતિનિધિ, જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, જે તેમની સમસ્યાને વાચા આપે, તેમના વતી અવાજ ઉઠાવે એ પ્રતિનિધિ જ ધારાસભ્ય બની ગયા બાદ જનતાના જવાબ આપવામાં અકળાઈ જાય છે અને ઉડાઉ જવાબો આપે છે. આમા બાપડી જનતા કોને તેની સમસ્યા જણાવે !
Input Credit- Hussain Kureshi- Dhoraji
આ પણ વાંચો: ભાવનગર: વલભીપુરના પાટણા રાજગઢને જોડતો રોડ ગેરંટી પિરીયડમાં જ ખખડી ગયો, લોકો ત્રાહિમામ- Video
Published On - 11:33 pm, Wed, 6 March 24