એક સમયના ઘુર વિરોધીઓ હાર્દિક પટેલ અને નીતિન પટેલ એક મંચ પર દેખાયા, નીતિન પટેલે કરી દીધી આ મોટી વાત- જુઓ Video
એક સમયે એકબીજાના ઘુર વિરોધી રહેલા હાર્દિક પટેલ અને નીતિન પટેલ આજે મહેસાણાના કડીમાં એક સ્નેહ મિલન કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે નીતિન પટેલની શાનમાં પ્રશંસાના પૂલ બાંધ્યા તો આ તરફ નીતિન પટેલ પણ હાર્દિક પટેલને શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા.
કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતો અને કોઈ કાયમી દુશ્મન નથી રહેતો. આવુ જ કંઈક ચિત્ર આજે મહેસાણાના કડીમાં આયોજિત ચુંવાળ કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલન દરમિયાન જોવા મળ્યુ. આ સ્નેહ મિલનમાં એક સમયે એકબીજાના ઘુર વિરોધી રહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા. માત્ર એટલુ જ નહીં હાર્દિકે નીતિન પટેલની શાનમાં પ્રશંસાના પૂલ પણ બાંધ્યા તો આ તરફ નીતિન પટેલે પણ હાર્દિક પટેલ મંત્રી બને તેવી શુભેચ્છા જાહેર મંચ પરથી પાઠવી.
શું કહ્યુ નીતિન પટેલે?
કાર્યક્રમમાં તેમના સંબોધનમાં નીતિન પટેલે હાર્દિક માટે કહ્યુ કે પહેલુ સ્ટેજ મંત્રીનું આવે છ, એટલે પહેલા તેઓ મંત્રી બને એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ. વધુમાં તેમણે કહ્યુ હાર્દિકના ધારાસભ્ય બન્યા પછી તેમના નામે એકપણ વિવાદ આજ દિન સુધી કોઈ બન્યો નથી.
શું કહ્યુ હાર્દિક પટેલે?
આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલે અનેક જૂની વાતોને વાગોળી હતી. હાર્દિકે અનામત આંદોલનને યાદ કર્યુ. આર્થિક પછાત માટે 10 ટકા અનામત મંજૂર કરી. નીતિનભાઈ અને આનંદીબેને બિન અનામત આયોગ આપ્યુ. વધુમાં હાર્દિકે નીતિન પટેલના કામોની પ્રશંસા કરી. હાર્દિકે કહ્યુ કડી સહિતના વિસ્તારનો નીતિન પટેલે ખૂબ વિકાસ કર્યો.
નીતિન પટેલનો ઈશારો કોના તરફ?
ગુજરાતના લોકોએ એ સમય પણ જોયો છે, જ્યારે નીતિન પટેલ હાર્દિક પર પ્રહાર કરવાનુ ચુકતા ન હતા અને હાર્દિક પણ તેમને ખરીખોટી કહેવાની એક તક છોડતો ન હતો, સમય બદલાયો એક સમયનો આંદોલનકારી આજે ભાજપનો ધારાસભ્ય બની ગયો અને નીતિન પટેલ પણ પાર્ટીમાં થોડા સાઈડલાઈન થયા છે ત્યારે બંનેએ આજે એકબીજાની ગરીમાને છાજે તેવુ વર્તન કરતા જોવા મળ્યા હતા. જો કે સૌથી મોટી વાત તો એ હતી કે નીતિન પટેલે હાર્દિકની પ્રશંસા તો કરી પરંતુ કેટલાક ધારાસભ્યોનું આવુને તેવુ કેટલુય ચાલતુ હોય છે એવુ પણ કહ્યુ. ત્યારે નીતિન પટેલે આ ઈશારો કોના તરફ કર્યો તે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.
Input Credit- Manish Mistri- Mehsana