Kutch: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સ્મૃતિવનમાં શાકોત્સવની ઉજવણી કરાઇ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ઉપક્રમે સ્મૃતિવન કચ્છમાં શનિવારના સંધ્યા સમયે શાકોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને સત્સંગી હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ઉપક્રમે સ્મૃતિવન કચ્છમાં શનિવારના સંધ્યા સમયે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને સત્સંગી હરિભક્તોએ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી. આ શાકોત્સવનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો અને અંતમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મોટેરા સંતોએ શાકોત્સવનું મહત્વ વિશે જણાવ્યું હતું કે સર્વોપરી , સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા. ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે. આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ , સતા, સામગ્રી કે સૌંદર્ય પાછળની દોટ છે એ દોટમાં ઓટ આવવાથી જ સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે.
અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, સહિતનાં સ્થળોએ મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાય છે
શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, કલોલ, પંચમહાલ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, માઉન્ટ આબુ તેમ જ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, દુબઈ સહિતનાં સ્થળોએ આવેલાં મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ
ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. શિયાળાની સીઝન એટલે જાણે અવનવી વરાઇટી બનાવવાની મોસમ. ઠંડીમાં એટલી બધી જાતનાં શાક અને ભાજી માર્કેટમાં જોવા મળે છે ત્યારે આજકાલ શાકોત્સવની પણ મોસમ આવી છે. જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે.
બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ
લોકવાયકા મુજબ 225 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયાગામે સ્વામીનારાયણ ભગવાને જાતે 18 મણ ઘી અને 60 મણ રીંગણનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઑર બની રહે છે.
પ્રભુએ એ સમયે નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા
એ સમયથી શાકોત્સવની શરૂઆત થઈ અને આજે 225 વર્ષ પછી પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા ચાલુ રહી છે. ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને પીરસ્યું હતું. પ્રભુએ એ સમયે નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.
225 થી વધુ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે. શાકોત્સવનો પ્રારંભ સ્વામિનારાયણ ભગવાનના સમયથી સંવત 1877 થી સૌરાષ્ટ્રમાં આવેલા લોયાગામથી શરૂ થયો છે.
આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી