ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
અમૃતપાલ સિંહ અંગે પંજાબ પોલીસે કહ્યું છે કે તે હજુ પણ ફરાર છે. પંજાબ પોલીસ થોડા સમયમાં તેની ધરપકડ કરશે.
સુરતમાં 21 માર્ચના રોજ ઉત્રાણ પાવર હાઉસના ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. જેમાં પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવશે. જે માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડે છે. 21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે.કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગી શકે છે બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો રહેશે એટલે કે માત્ર 7 થી 8 સેકન્ડ માં જ આખો ટાવર કડડભુસ થઈ જશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 236 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1,308 એક્ટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં 52 અને થાણેમાં 33 કેસ નોંધાયા છે.
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયા પણ આ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ દીક્ષાંત સમારોહમાં 37 પીએચ.ડી., 18 એમ.ફિલ.,224 અનુસ્નાતક અને 39 સ્નાતક એમ કુલ 318 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 22 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવ્યાં. આ ઉપરાંત ગુજરાતીમાં એમ.એ.માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિશ્રી પિનાકીન ઠાકોર સુવર્ણચંદ્રક અને અર્થશાસ્ત્રમાં શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદ પડ્યો છે. તેમજ રસ્તા પર પાણી વહેતા થયા છે. તેમજ અનેક સીમમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે.
ADGP કાશ્મીર ઝોન વિજય કુમારે કહ્યું છે કે ઠગ કિરણ પટેલના કેસમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને ક્ષતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એક ઈન્ટરવ્યુ બાદ સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. લોરેન્સે એક્ટરને મારી નાખવાની ધમકી આપી હતી. એવા સમાચાર છે કે સલમાનને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાટણમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાંતલપુર સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા દોઢ કલાકથી સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
કુદરતની માર સામે ફરી એકવાર જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે. કેસર કેરી માટે જાણીતા એવા ગીર સોમનાથ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યું હતું.
ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.
અમૃતપાલ સિંહને લઈને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અમૃતપાલને હાજર કરવા માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટે હાલમાં વોરંટ ઓફિસરની નિમણૂક કરવાનો ઈન્કાર કર્યો છે. પંજાબ સરકારને નોટિસ પાઠવવામાં આવી છે, આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. અમૃતપાલ વતી એડવોકેટ ઈમાન સિંહ ખારાએ અરજી દાખલ કરી છે. હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી છે.
ગીર સોમનાથના ગીર ગઢડામાં કરા સાથે વરસાદ પડ્યો છે. ફરેડા ગામે ભારે પવન સાથે કરા પડતા જગતનો તાત બેહાલ જોવા મળ્યો.કરા પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.ભારે પવન સાથે કરા પડતા ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.ગીર સોમનાથમાં ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.
પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદ : સંધ્યા એપાર્ટમેન્ટમાં આવેલ રેસ્ટોરન્ટમાં આગ, ફાયર બ્રિગેડની 7 ગાડી ઘટના સ્થળે હાજર | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/NJ4uKtR2Qw
— Tv9 Gujarati (@tv9gujarati) March 19, 2023
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 માર્ચના રોજ નવા 133 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 740એ પહોંચ્યા છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શ્રીનગરમાં આપેલા ભાષણ પર હવે ફરીથી રાજકારણ ગરમાયુ છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની વિરૂદ્ધ 16 માર્ચે એક નોટિસ જાહેર કરીને પીડિત મહિલાઓ વિશે જાણકારી માંગી હતી. જ્યારે નોટિસનો જવાબ ના મળ્યો તો પોલીસ રવિવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગઈ.
અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને TV9 પર સૌથી મોટો ખુલાસો. રોડ અને બ્રિજના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન અને કોડને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. જે કઈ રીતે બ્રિજના કોન્ટ્રાક્ટરને બચાવવા તંત્ર અને નેતાઓ કામે લાગ્યા છે તેની પોલ ખોલે છે. હાટકેશ્વર બ્રિજ SV લોડિંગમાં આવે છે. જ્યારે કે વર્ષ 2014 સુધી દેશમાં બ્રિજની કામગીરી કરવામાં SV લોડિંગનો ક્યાંય ઉલ્લેખ હતો જ નહીં.
ડિસેમ્બર 2016માં SV લોડિંગ બાબતે પ્રથમ વખત ઈન્ડિયન રોડ કોંગ્રેસમાં જાહેરાત અપાઈ હતી. તે પહેલા એસવી લોડિંગ હેવી વ્હીકલ મુદ્દે કોઈ નીતિ નિયમ કે ગાઈડલાઈન હતી જ નહીં. ડિસેમ્બર 2016માં IRC-6 બ્રિજ ડિઝાઈન કોડમાં SV લોડિંગ પ્રથમ વખત રજૂ કરાયું. જે 2017થી બ્રિજની ડિઝાઈન પ્રેક્ટીસમાં આવી. જ્યારે કે હાટકેશ્વર બ્રિજની કામગીરી 2014-15થી સોંપાઈ હતી. તો તેની પાસે કઈ રીતે એસવી લોડિંગ હોય તે સૌથી મોટો સવાલ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકારના 6 વર્ષ પૂર્ણ થયા છે. યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ CM યોગીએ 5 વર્ષનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને બીજા કાર્યકાળને પણ એક વર્ષ પૂર્ણ કર્યુ. આ રીતે તેમની સરકારે ઉત્તરપ્રદેશમાં 6 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે આ અવસરે CM યોગી આદિત્યનાથે આજે ઓયાધ્યાની મુલાકાત કરી.
CM યોગીએ અયોધ્યામાં રામલલા મંદિરમાં પૂજા-અર્ચના કરી સાથે જ હનુમાનગઢીના પણ દર્શન કર્યા. મુખ્યપ્રધાનની આ મુલાકાતની જાણકારી આપતા સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે અયોધ્યામાં બની રહેલા રામમંદિરનું નિર્માણ 70 ટકા સુધી પૂર્ણ થઈ ચૂક્યુ છે. સીએમ યોગીએ રાજ્ય માટે રામલલા મંદિર અને હનુમાનગઢીમાં પૂજા કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.
તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સરવે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે. તેની વિસ્તૃત વિગતો આપી હતી.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી એટલે કે 19 માર્ચથી 3 દિવસના કર્ણાટક પ્રવાસ પર છે. અહીં તે કેટલાક કાર્યક્રમમાં હાજરી આપશે. તે બેંગલુરૂ, ઉત્તર કર્ણાટકના જિલ્લા બેલગાવી અને તુમકારૂ જિલ્લાના કુનિગલમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે, જ્યાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ નેતા હુબલી એરપોર્ટથી બેલગાવી સડક માર્ગે પહોંચશે, જ્યાં તે ‘યુવાક્રાંતિ સમાવેશ’ની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્યારબાદ તે બેંગલુરૂ પરત ફરશે, જ્યાં તે રાત્રિરોકાણ કરશે અને આ દરમિયાન પાર્ટી નેતાઓની સાથે તે મિટિંગ કરી શકે છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘણી વખત રેલવેમાં ઓચિંતી મુલાકાત કરવા જતા હોય છે. ખાસ વાત એ છે કે તે યાત્રીઓ સાથે ઘણી વાતો કરે છે અને રેલવેને લગતા ઘણા પ્રશ્નો પણ પૂછે છે. તેના ઘણા વીડિયો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે આજે તેમણે અચાનક નવી દિલ્હીથી અજમેર જતી શતાબ્દી એક્સપ્રેસનું નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. રેલવે મંત્રી અનેક બોગીઓમાં ફર્યા અને લોકો પાસેથી ટ્રેનના ફિડબેક પણ લીધા હતા. ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
દિલ્હી AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા આજે અમદાવાદની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસ, કોરોના અને H3N2 વાયરસ મુદ્દે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. હાલ રાજ્યમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસના કેસો વધી રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે. અમદાવાદની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં H3N2ની ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવાઈ છે તો આગામી સપ્તાહે સોલા સિવિલમાં પણ ટેસ્ટ કિટ આવી જશે.
ત્યારે આ અંગે AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, H3N2 વાયરસ કોઈ નવો વાયરસ નથી, પરંતુ સદીઓથી આ વાયરસ લોકોની વચ્ચે છે અને આગામી સમયમાં પણ રહેશે. ડૉ. ગુલેરિયાના કહેવા મુજબ H3N2 વાયરસ જીવનભર લોકોની વચ્ચે રહેશે. H3N2 કોઈ નવો વાયરસ નથી.
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. જેની બાદ તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરી વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જે બાદ અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પૂર્વે આજે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂનાગઢ APMCના કિસાન ભવનના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, ભારત સરકાર જે બજેટ મોકલે છે તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે કો-ઓપરેટીવ માળખું બરાબર નથી. જો કો-ઓપરેટીવ માળખુ બરોબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાની ચાલુ થઈ જાય.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી.
જો તમે બ્રાન્ડેડ શેમ્પુનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. સુરત પોલીસે જાણીતી બ્રાન્ડના નામે નકલી શેમ્પુનો વેપાર કરતા ઠગબાજોનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અસલીના નામે નકલીનો ગોરખધંધો ચલાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા. કંપની સંચાલકોના ધ્યાને મામલે આવતા કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત પોલીસે ઉતરાણ વિસ્તારના શ્રીનાથજી આઇકોનમાં દરોડા પાડ્યા હતા અને કુલ 7 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે નકલી શેમ્પુનો ઉપયોગ વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. પોલીસના દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ શેમ્પુની બોટલોનું પેકિંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને પ્રિન્ટિંગ, સ્ટિકર, બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણેય આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગબદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકશાહીની તમામ મર્યાદાઓ પાર કરવાનો આરોપ મૂક્યો હતો. નડ્ડાએ ચેન્નાઈમાં ભારતીય જનતા યુવા મોરચાની ‘રાષ્ટ્રીય યુવા સંસદ’નું ઉદ્ઘાટન કર્યા પછી વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું, “જે લોકો લોકશાહીમાં વિશ્વાસ નથી કરતા, તેમના માટે લોકશાહીમાં કોઈ સ્થાન નથી.”
રાહુલ પર યુએસ અને યુરોપિયન દેશો જેવી વિદેશી શક્તિઓને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે માનસિક નાદારીથી પીડિત છે. બીજેપી અધ્યક્ષે કહ્યું, રાહુલ ગાંધીએ લોકશાહીની તમામ હદો વટાવી દીધી છે. તેમણે કહ્યું, તેઓ (રાહુલ ગાંધી) કેવા પ્રકારના નિવેદનો આપે છે. ભારતના લોકો તેમની વાત સાંભળતા નથી, તેઓ તેમને સહન કરે છે.
માત્ર સુરત કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ છે. શારજાહ – સુરતની ફ્લાઈટમાં આવતા એક શખ્સ પાસેથી સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા જતા તેને તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના પાસેથી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું હતું. આરોપીએ સોનાંની ત્રણ કેપ્સુલ બનાવી ગુદામાર્ગમાં છુપાવી લાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દેશના ગૃહ મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહનું સોમનાથ ખાતે આગમન થયું છે. સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના બાદ દેશ વિદેશથી આવતા યાત્રીઓને ઉપયોગી સોમનાથ ટ્રસ્ટ ની ઈ-વેબ સાઈટનું લોકાર્પણ કરશે.
વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળી છે. જેથી હવે વિદેશ જતાં હજારો મુસાફરોને તેનો લાભ મળશે. વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન આ ભેટ આપી હતી.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આ રાજપત્રને સ્વિકારીને જાહેર કર્યો હતો. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે. જો કે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. કારણ કે વડોદર એરપોર્ટ પરનો રનવે ટૂંકો હોવાથી કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી, એરપોર્ટની એક તરફ હાઈવે તો બીજી તરફ સોસાયટી આવેલી છે. જેથી ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સમયાંતરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદો સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વાર સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી છે. રવિવારે ઓપીડીમાં કોઈ ડોકટર જોવા મળતા નથી જેને લઇને દર્દીઓને પરેશાન થવું પડે છે. આજે રવિવારના દિવસે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ડોકટર જોવા નથી મળી રહ્યા.
રવિવારના દિવસે અડધો દિવસ 9 થી 1 ઓપીડી ચાલુ હોય છે. પરંતુ સવારથી જ ઓપીડીમાં કોઈ ડોકટર જોવા મળ્યા નથી. ઓપીડીમાં આવતા દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. તો ઇમરજન્સી વિભાગમાંથી દર્દીઓને ઓપીડીમાં જવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લઇને દર્દીઓને સિવિલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે. જેથી ઇમરજન્સી વિભાગમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે કે ઈમરજન્સી કેસ પર ધ્યાન આપવું કે ઓપીડી દર્દીઓની સારવાર કરવી ?
Vadodara : વડોદરામાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા બે બુકી ઝડપાયા છે. ગોલ્ડન ચોકડી નજીક કારમાં સટ્ટો રમાડતા હતા તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધા છે. રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે હરણી પોલીસે બંને આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. હાલોલના વિષ્ણુ કાછીયા અને ઝાકીર ઘાંસીની પુછપરછમાં અન્ય ત્રણ લોકોના પણ નામ ખુલ્યા છે, ત્યારે હાલ પોલીસે હાલોલના ગોપાલ વાણંદ, રવિ શાહ અને હિતેશ વારિયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં હજુ કેટલાક નામો સામે આવવાની શક્યતા છે.
સુરતના વેસુ વિસ્તારમાં એક કિશોર પહેલા માળેથી નીચે પટકાતા મોત થયુ છે. માહિતી મુજબ કિશોર બાર માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો. મૃતક કિશોર પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો રહેવાસી છે અને રોજગારી અર્થ તે સુરત રહેતો હતો. આપને જણાવી દઈએ કે, બિલ્ડિંગમાં તે બ્રેકર મશીન ચલાવતો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના કપરાડામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કપરાડાના એક ગામમાં 12 વર્ષની સગીરા પર 7 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. 2 આરોપીની પોલીસે અટકાયત કરી વધુ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. 12 વર્ષની સગીરાની તબિયત લથડતા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે. પોલીસે મેડિકલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત એરપોર્ટ પર પરથી ફરી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું છે. શારજાહ-સુરતની ફ્લાઇટમાં આવતા એક શખ્સ પાસેથી કસ્ટમ વિભાગે સોનું ઝડપ્યું છે. રૂપિયા 28 લાખની કિંમતના સોનાંની ત્રણ કેપ્સુલ બનાવીને મુસાફરે ગુદામાર્ગમાં છુપાવી દીધી હતી. કસ્ટમ વિભાગને આ મુસાફર ઉપર શંકા જતા, તેની તપાસ કરતા શરીરમાં સોનુ છુપાવ્યું હોવાનુ સામે આવ્યું હતું. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક પ્લેન દુર્ઘટના થઈ હતી. જેમા ગાંધીધામની પાઈલટ યુવતીનુ મોત નિપજ્યું છે. મૂળ કચ્છના ગાંધીધામની વૃષંકા માહેશ્વરી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનની પાઈલટ હતી. એરસ્ટ્રીપથી ઉડાન ભર્યા બાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વિમાન દુર્ઘટનાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી. મૃતક પાઈલટ વૃષંકા માહેશ્વરી, ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતી માહેશ્વરી હેન્ડલીંગ પેઢી સાથે સંબધ ધરાવતી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેનુ મૃત્યુ નિપજ્યું છે. ક્રિકેટ રમતા 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનુ હાર્ટ એટેકથી મોત થયુ છે. આજે રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. જ્યા તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
અમદાવાદના ગોતામાં નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં દુકાન રાખીને યંત્રના ચિન્હ ઉપર જુગાર રમાડાતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જુગાર રમાડનાર નરેન્દ્ર ઠક્કર સહિત 9 શખ્સની ધરપકડ કરી છે. રોકડ, ટીવી, મોબાઇલ, ટુ વ્હિલર સહીત રૂપિયા 1.97 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. યંત્રના ચિન્હ પર રૂપિયા લગાડી દસ ગણા રૂપિયા મળે તેવો જુગાર રમાડાતો હતો. અગાઉ પણ ખાડીયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને આ પ્રકારનો જુગાર રમાડનારાઓ સામે કેસ કરવામાં આવ્યો છે.
ઊંઝાના દાસજ પાસેથી વરિયાળીમાંથી જીરું બનાવવાની ગોડાઉન ઝડપાયુ છે. દાસજમાં મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને બનાવટી જીરુનો જથ્થો ઝડપા પાડ્યો છે. 48 બોરીમાં સંગ્રહાયેલુ 3360 કિલો નકલી જીરું સીઝ કરાયુ છે. તપાસમાં પટેલ જય દશરથભાઈ નામના શખ્સનું આ ગોડાઉન હોવાનું ખુલ્યું છે. વરિયાળીના ભુસાને પ્રોસેસ કરીને બનાવટી જીરું બનાવાતુ હતુ. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને નકલી જીરું બનાવાતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા છે.
ફરાર 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહને પકડવા માટે સમગ્ર પંજાબમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈકાલથી પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. અમૃતપાલને પકડવો એટલો મુશ્કેલ બની રહ્યો છે કે આજે બપોરે 12 વાગ્યા સુધી સમગ્ર પંજાબમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે તેના પર NSA એક્ટ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
પુણેમાં બાવધન પાસે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડતાં પાંચ લોકો ઘાયલ થયા હતા, પુણે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મુંબઈમાં યોજાયેલા બાગેશ્વર બાબાના દરબારમાં, 50થી વધુ મહિલાઓના મંગળસૂત્ર અને સોનાની ચેઈનની ચોરી થઈ હતી. આ તમામ ભક્તો મીરારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા લોકોની લાઈન લાગી હતી.
વડોદરા પોલીસે ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર કારમાં સટ્ટો રમાડતા બે બુકીને ઝડપી પાડ્યા છે. બુકીઓ પાસેથી રૂપિયા 5 લાખની રોકડ મળી આવી છે. ગોલ્ડન ચોકડી નજીક સંગમ હોટલ પાસે કારમાં સટ્ટો રમતા રમાડતા બંને ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પંચમહાલના હાલોલના વિષ્ણુ કાછીયા અને ઝાકીર ઘાંચીની પૂછપરછમાં અન્ય ત્રણના નામ પણ ખુલ્યા છે. હાલોલના ગોપાલ વાળંદ, રવિ શાહ અને હિતેશ વરિયાને ઝડપી પાડવા હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Published On - Mar 19,2023 7:07 AM