વડોદરા શહેરની શાળામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા એક કલાક જેટલી મોડી શરુ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હરણી રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં CBSC બોર્ડનું ઇકોનોમિકસનું પેપર વિદ્યાર્થીઓને મોડુ આપવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રશ્નપત્ર આવ્યા હોવાના કારણે પેપર મોડુ આપનામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. જો કે બાદમાં શાળા સંચાલકો દ્વારા પેપરની ઝેરોક્ષ કરાવીને વિદ્યાર્થીોને આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. એક તરફ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. તો બીજી તરફ CBSCની પણ પરીક્ષાઓ રાજ્યમાં ચાલી રહી છે. જો કે એક પછી એક આ પરીક્ષામાં તંત્ર અને અયોગ્ય વ્યવસ્થાના ભોગે વિદ્યાર્થીઓને ભોગવવાના વારો આવ્યો છે.
છેલ્લા બે દિવસથી બોર્ડની પરીક્ષામાં પેપરમાં છબરડા અને સપ્લીમેન્ટરી મોડી મળવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે વડોદરામાં પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અવ્યવસ્થાનો ભોગ બન્યા છે. વડોદરાની હરણી રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં CBSC નું ધોરણ -12ની પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યુ છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયસર કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જો કે સમયસર પહોંચેલા વિદ્યાર્થીઓને બેસી રહેવાનો વારો આવ્યો હતો.
ઘટના એવી બની હતી કે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનો સમય શરુ થઇ ગયો હતો. જો કે પરીક્ષા કેન્દ્ર પર ઇકોનોમિક્સના પેપર જ પહોંચ્યા નહોતા. લગભગ એક કલાક સુધી આ પેપર કેન્દ્ર પર પહોંચી શક્યા ન હતા. જેના કારણે આ સેન્ટર પર વિદ્યાર્થીઓને પેપરની રાહ જોઇને બેસી રહેવુ પડ્યુ હતુ. ઘટનાને લઇને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શાળા સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા.
પરીક્ષામાં એક કલાક વિદ્યાર્થીઓએ રાહ જોયા બાદ અંતે શાળા સંચાલકો દ્વારા પેપરની ઝેરોક્ષ કરાવીને વિદ્યાર્થીોને આપવામાં આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાન પર રાખીને શાળા સંચાલકોએ પેપર વિદ્યાર્થીઓ પાસેથી એક કલાક મોડુ લેવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પણ હાંસકારો અનુભવ્યો છે.
(વિથ ઇનપુટ- યુનુસ ગાઝી, વડોદરા)