Rajkot: વિદ્યાર્થિનીઓની અનોખી પહેલ, ઘરે ઘરે મુલાકાત લઈ દિકરીઓના નામની તખ્તી મુકાઇ
Rajkot News : આ શિબિરમાં ગ્રામ્યની સંસ્કૃતિ અને પરંપરા વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થિનીઓએ પણ વડિલ વંદના, વિધાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.
રાજકોટના શહેરી વિસ્તારોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વિશે માહિતગાર થાય, ત્યાંની સંસ્કૃતિ અને પરંપરા વિશે માહિતગાર થાય તે હેતુથી કે. એસ. કણસાગરા કોલેજ દ્વારા ઉપલેટાના પ્રાંસલા ખાતે પાંચ દિવસીય ગ્રામિણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામ્યની સંસ્કૃતિ અને પરંપરા વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીનીઓએ પણ વડિલ વંદના, વિધાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.
બેટી બચાવો બેટી પઢાવોનો અનોખી રીતે સંદેશો આપ્યો
રાજકોટથી પ્રાંસલા ગયેલા વિદ્યાર્થિનીઓની ટુકડી દ્વારા ગામમાં બેટી બચાવો બેટી પઢાવોનો અદ્દભૂત સંદેશો આપ્યો હતો. વિદ્યાર્થિનીઓેએ ગામમાં ઘરે ઘરે મુલાકાત લીધી હતી. જે ઘરમાં દિકરી રહેતી હોય તેના નામની તક્તી ઘરની બહાર લગાડવામાં આવી હતી. ખરા અર્થમાં દિકરી ઘરની શોભા છે અને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો.
વડીલોને સ્ટીક વિતરણ,કપડાં વિતરણ કરાયા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાંચ દિવસીય શિબિર દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ગ્રામલોકોએ સાથે મળીને અનેક કાર્યક્રમો કર્યા હતા. જેમાં ગામના પાદરે વડીલોને સ્ટીક વિતરણ, વડીલ વંદના કાર્યક્રમ, કપડાં વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ગામમાં સાસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
પાંચ દિવસીય શિબિર આચાર્ય રાજેશ કાલરિયા,સમાજકલ્યાણ વિભાગના અધ્યક્ષ નેહા ચૌહાણ અને ભવદિપ ત્રિવેદી દ્વારા આ શિબિરનું સફળ આયોજન કરાયું હતુ અને ગામના પ્રાથમિક શાળાના આચાર્ય અને સરપંચે પણ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મહત્વનું છે કે એક તરફ રાજકોટમાં વિદ્યાર્થિનીઓ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગઇકાલે રાજકોટની ભરાડ સ્કૂલમાં ધોરણ -10ની આજની પરીક્ષામાં પેટા સપ્લીમેન્ટરી મોડી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગણિતના પેપરમાં પેટા સપ્લીમેન્ટરી 10થી 15 મિનિટ મોડી આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ 10થી 15 મિનિટ રાહ જોઇને બેસી રહેવુ પડ્યું હતુ અને સમયસર પેટા સપ્લીમેન્ટરી લઇ લેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.