સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે રહેશે, જુઓ વીડિયો
ગીર સોમનાથ બુલડોઝર એક્શનઃ ગુજરાતના ગીર સોમનાથમાં સોમનાથ ખાતે બુલડોઝર એક્શન કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત મળી નથી. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. આગામી આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરાયેલ બુલડોઝર એક્શન કેસમાં, આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અરજદારની ધારદાર દલીલો છતા, સર્વોચ્ચ અદાલતે અરજદાર તરફે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.
મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આ સંરક્ષિત સ્મારકો છે. કોઈપણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની નજીક હોઈ શકે નહીં. સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં આની કલ્પના કરી શકો છો?
સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે હાઈકોર્ટનો આ આદેશ 2015માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલ હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.
SC એ એસજીનું નિવેદન નોંધ્યું
એસજીનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.
SCમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી
28 સપ્ટેમ્બરના રોજ, ગીર સોમનાથ પ્રશાસને મુસ્લિમોના કેટલાક ધાર્મિક સ્થાનો, ઘરો અને કબરો ઉફર બુલડોઝર ફેરવી દીધા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સમગ્ર પટણી મુસ્લિમ જમાતે વહીવટીતંત્રની કાર્યવાહી સામે અરજી કરી છે. તેમની અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બર 2024ના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.