પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના કેસમાં કાર્યવાહી, ભાજપે બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જી કે પ્રજાપતિને કર્યા સસ્પેન્ડ
Gandhinagar News : ગુજરાતના એક ડીજીપીને બદનામ કરી ખોટા કેસમા ફસાવવા માટે કાવતરૂ રચનાર 5 ની ધરપકડ કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીમાંથી જી કે પ્રજાપતિએ એક બનાવટી એફિડેવીટ બનાવ્યું હતું.
અમદાવાદમાં નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં ભાજપના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જી કે પ્રજાપતિની સંડોવણી બહાર આવી છે. ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા જી કે પ્રજાપતિ કાવતરાના મુખ્ય સુત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે ગુજરાત ATSએ જી કે પ્રજાપતિ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ ભાજપે બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઈ પ્રજાપતિને તેમના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કુલ પાંચ આરોપીની કરવામાં આવી ધરપકડ
ગુજરાતના એક ડીજીપીને બદનામ કરી ખોટા કેસમા ફસાવવા માટે કાવતરૂ રચનાર 5 ની ધરપકડ કરવામા આવી છે. જી કે પ્રજાપતિ, આશુતોષ પંડ્યા, કાર્તિક જાની,હરેશ જાદવ,મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાંથી જી કે પ્રજાપતિએ એક બનાવટી એફિડેવીટ બનાવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીએ મહિલા સાથે ચાંદખેડાના એક મકાનમાં બળાત્કાર ગુજારતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જોકે મહિલાને પોલીસ અધિકારીઓના ફોટા બતાવતા તેણે બળાત્કાર ન ગુજાર્યો હોવાની કબુલાત કરી હતી. જે મામલે બ્લેકમેલિંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર તરીકે જી કે પ્રજાપતિ રાજકીય નેતા હોવાનું સામે આવ્યું છે.
ભાજપે જી કે પ્રજાપતિ સામે કરી કાર્યવાહી
ATSની તપાસમાં જી કે પ્રજાપતિનું નામ બહાર આવ્યું હતું. પૂર્વ IPS અધિકારી સામે ખોટી એફિડેવિટ બનાવી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારે ભાજપે જી કે પ્રજાપતિની સામે કાર્યવાહી કરી છે. ભાજપે જી કે પ્રજાપતિને તેમના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
મહિલાને ઘેનની ગોળી ખવડાવી નિવેદન આપવા મોકલી હતી
મહત્વની વાત છે કે, ભોગ બનનાર મહિલાએ પેથાપુર પોલીસ મથકે નોંધાવેલી બળાત્કારની ફરિયાદમાં મેજિસ્ટ્રેટને રૂબરૂ IPC 164 મુજબનું નિવેદન લેવાનું હતું. પરંતુ આરોપી જી કે પ્રજાપતિ અને સુરતના હરેશ જાદવ ભેગા મળી મહિલાને ઘેનની ગોળી ખવડાવી મોકલી હતી, જેથી તેનુ નિવેદન ન થઈ શકે અને એફિડેવિટમાં લેવાયેલા અધિકારીઓના નામ મેજિસ્ટ્રેટ સમક્ષ ન આવે.