AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈકો સેન્સિટીવ ઝોન મામલે સરકારમાં જ વિરોધનો સૂર, ભાજપના નેતા હર્ષદ રિબડિયાએ સરકાર સામે ચડાવી બાંયો, વનમંત્રીએ ગણાવ્યો સિંહોના સંવર્ધનનો નિર્ણય

ગીર જંગલ વિસ્તારોમાં ઈકો સેન્સિટિવ ઝોનને લઈને ભાજપની અંદર જ સરકારના નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ કહ્યુ કે 196 ગામનો વિકાસ રૂંધાશે. સામે સરકારનું કહેવું છે કે દરેકની રજૂઆત સાંભળવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2024 | 2:03 PM
Share

જુનાગઢમાં ગીર જંગલની આસપાસનાં વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે. જુનાગઢ પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ જુનાગઢ કિસાન સંઘ, અમરેલી તેમ જ ગીર સોમનાથ કિસાન સંઘનાં પ્રમુખો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોકે આટલે સુધી તો શરૂઆત હતી હવે સરકારના નિર્ણય સામે ભાજપનાં નેતા હર્ષદ રીબડિયા ખુલીને સામે આવી ગયા છે.

ભાજપનાં નેતા હર્ષદ રીબડિયાએ કહ્યું કે ઇકો ઝોનથી ખેડૂતો વન વિભાગનાં ગુલામ બની જશે. રોડ-રસ્તા, વીજ કનેક્શન સહિતનાં અનેક મુદ્દે મોટી મુશ્કેલીઓ ઊભી થશે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરીઓ લેવી પડશે. માઈનિંગ, ગેરકાયદે હોટેલ્સ, પ્રદુષણ ઓકતા એકમો બંધ કરાવો તેનો વિરોધ નથી. પરંતુ, અમારા વિસ્તારમાં એક પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી નથી. ઈકો સેન્સિટીવ ઝોનનાં લીધે ખેડૂતોને ઊભી થનારી મુશ્કેલી સામે આ વિરોધ છે અને એટલે દિલ્હી સુધી આ વાત પહોંચવી જ જોઈએ.

એટલે તમામ 196 ગામોને હાકલ કરવામાં આવી છે. જોકે બીજી તરફ વનમંત્રી મૂળુભાઈ બેરાનું કહેવું છે કે આસપાસના કોઈપણ ગામને કોઈ જ તકલીફ ના પડે તે પ્રકારે દરખાસ્ત ભારત સરકારને મોકલી હતી અને તે મંજૂર થઈ હતી.

જોકે ભાજપ તરફથી જ હર્ષદ રિબડિયા અને દિલિપ સંઘાણી નિર્ણયનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે વન મંત્રીને તેમના વિષે પણ અમે પુછયું તો મંત્રીએ કહ્યુ કે તમામ લોકોની મુખ્યત્વે બાબતોને સાંકળી લેવામાં આવી છે છતાં પણ કોઈને તકલીફ હોય તો રજૂઆત થઈ જ શકે છે.

આખરે ઈકો સેન્સિટીવ ઝોનનો વિરોધ કેમ

  • ઈકો સેન્સિટિવ ઝોનથી અનેક મુશ્કેલીઓ ઊભી થશે
  • જમીન બિનખેતી કરવામાં ઇકો ઝોન નડતર બનશે
  • ઉદ્યોગ અને વ્યવસાયમાં રૂકાવટ આવી શકે છે
  • અનેક કારણોને લીધે ગામડાનો વિકાસ રુંધાઈ જશે
  • વન વિભાગ ખેડૂતો પર હાવી થઈ જવાનો છે ડર

આ તમામ બાબતોને લઈને વિરોધ થઈ રહ્યો છે. તો પછી સવાલ એ છે કે આખરે ખેડૂતોની શું માગ છે ?

  • અગાઉ જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત્ રાખવામાં આવે
  • ઈકો સેન્સિટિવ ઝોનમાંથી ખેડૂતોને મુક્તિ અપાય
  • ખેડૂતો સહિત ગામડાઓનો વિકાસ રૂંધાઇ શકે છે
  • ખેડૂતોને ખેતરે આવવા જવામાં મુશ્કેલી પડી શકે

આ તમામ બાબતો છે અને એટલે આ નિર્ણય સરકાર માટે પણ મુશ્કેલી વધારનાર સાબિત થઈ શકે છે. સવાલ એ છે કે તો પછી આગળ જતા શું થશે ? સરકાર પોતાની વાત પર અડીખમ રહે છે તો 196 ગામોના લોકોની લાગણી દુભાશે અને જો નિર્ણય બદલશે તો સિંહ સંવર્ધન પર ધાર્યા પરિણામ હાંસીલ નહી કરી શકાય. આ બધી બાબતોને લઈને સરકારની અવઢવ વધી શકે તેમ છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">