Ahmedabad: શ્રેયસ સ્કૂલની મનમાની, FRCના ઓર્ડર વિના જ ફીમાં 10 થી 15 હજારનો વધારો ઝીંકી દેતા વાલીઓમાં રોષ- Video
Ahmedabad: અમદાવાદની શ્રેયસ સ્કૂલની મનમાની સામે આવી છે. ફી નિર્ધારણ સમિતિના કોઈ આદેશ વિના જ શાળા દ્વારા ફીમાં 10 થી 15 હજારનો વધારો ઝીંકી દેવાયો હોવાનો વાલીઓની ફરિયાદ છે. આ મામલે વાલીઓએ DEO કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓની રજૂઆતને પગલે ચાર શાળા સંચાલકોની હાજરીમાં જ ચાર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યુ.
Ahmedabad: અમદાવાદની વધુ એક શાળાની ફી મામલે મનમાની સામે આવી છે. શહેરની નામાંકિત શ્રેયસ સ્કૂલ ફી મામલે વિવાદમાં આવી છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ના કોઈ આદેશ વિના જ શાળા દ્વારા એક્ટિવિટીના નામે 10થી 15 હજાર રૂપિયાનો તોતિંગ ફી વધારો ઝીંકાયો હોવાનો વાલીઓનો આરોપ છે. વાલીઓએ શાળાની મનમાની સામે આજે DEO કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જિલ્લા શિક્ષણાધિકારીને મળી રજૂઆત કરી હતી.
મનઘડંત આદેશો કરી ફી વસુલી શકાતી નથી- વાલીઓ
શાળા દ્વારા એક્ટિવિટીના નામે વાલીઓને રીતસર લૂંટવાનો કારસો સામે આવ્યો છે. વાલીઓની ફરિયાદ છે કે શાળા દ્વારા ફી વધારો કર્યા બાદ જે બાળકોની ફી ના ભરાઈ હોય તેમની સામે રોજ 100 રૂપિયાનો દંડ કરવાના પત્ર બાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને મળી રજૂઆત કરી હતી. જો કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલકોની હાજરીમાં જ ચાર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. ફી વધારાના નિર્ણય બાદ જે વિદ્યાર્થીઓની ફી ન ભરાઈ હોય તેમને 10 ઓક્ટબર બાદ 100 રૂપિયા લેટ ફી પેટે વસુલવાનો શાળા દ્વારા આદેશ કરતો પત્ર જારી કરાયો છે. જેની સામે વાલીઓએ આકરો સખત વિરોધ નોંધાવ્યો. વાલીઓનુ કહેવુ છે કે આ પ્રકારે નિયમોની ઐસીતૈસી કરી ફી વસુલી શકાતી નથી.
શું હતો સમગ્ર વિવાદ?
વાલીઓની ફરિયાદ મુજબ શાળા દ્વારા મનસ્વી રીતે FRCની મંજૂરી લીધા વિના જ ફી વધારો કરવામાં આવ્યો. ઉપરાંત બે ટર્મની ફી અને એડમિશન ફી દર વર્ષે વસુલવામાં આવી રહી છે. વાલીઓએ DEOને કરેલી ફરિયાદ મુજબ બે ટર્મની ફી અને એડમિશન ફી સહિત અંદાજે 10 થી 15 હજાર રૂપિયાી વધારે ફી ભરવાની થાય છે. જે યોગ્ય નથી. જો કે DEO એ સ્કૂલના પ્રતિનિધિની હાજરીમાં જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ન આવે ત્યાં સુધી વાલીઓને ફી ન ભરવા મૌખિક સૂચના આપી છે.
આ પણ વાંચો: Rajkot: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાજ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો, વેપારીઓએ નબળા બાંધકામની કરી ફરિયાદ
સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ
ફી વધારા સહિત વાલીઓની ફરિયાદ છે કે શાળા દ્વારા એક્ટિવિટીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શાળાના સમય કરતા વહેલા બોલાવવામાં આવે છે અને એક્ટિવિટીની પ્રવૃતિ પૂર્ણ થયા બાદ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવે છે. જેની સામે વાલીઓની માગ છે કે વધારાની પ્રવૃતિનો સમય શાળા પૂર્ણ થયા બાદનો હોવો જોઈએ નહીં કે શાળા શરૂ થયા પહેલાનો. આ બાબતે પણ DEO દ્વારા શાળાને સમય બાબતે એક નવેમ્બર સુધીમાં નિર્ણય લેવા તાકીદ કરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો