Rajkot: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાજ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો, વેપારીઓએ નબળા બાંધકામની કરી ફરિયાદ
Rajkot: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ગાજ્યો છે. માર્કેટિંગ યાર્ડની દુકાનો જર્જરીત થઈ હોવાની વેપારીઓએ ચેરમેનને લેખિતમાં ફરિયાદ કરી છે અને હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનો તેમજ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે યાર્ડના ચેરમેને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Rajkot: રાજકોટમાં બેડી માર્કેટીંગ યાર્ડનાં બાંધકામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ઉઠ્યો છે. રાજકોટના વેપારીઓએ બેડી માર્કેટીંગ યાર્ડની દુકાનોની ઇમારત જર્જરિત થઇ હોવાની ફરિયાદ કરી છે અને તાત્કાલિક રિપેરીંગની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે વર્ષ 2014માં જ્યારે આ દુકાનો સોંપવામાં આવી ત્યારે જૂની દુકાનોની સામે 10થી 15 લાખ રૂપિયા વધારે વસુલવામાં આવ્યા હતા. જો કે હાલમાં મોટાભાગની દુકાનો જર્જરિત થઇ ગઇ છે. છત પરથી પાણી પડી રહ્યું છે, ઇલેકટ્રીક વાયરીંગ ખરાબ થઇ ગયું છે જેના કારણે દુકાનમાં જણસી પણ ખરાબ થઈ જાય છે.
વર્ષ 2014ના યાર્ડના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડના દલાલ મંડળના અગ્રણી અને ડિરેક્ટર અતુલ કામાણીએ કહ્યું હતું કે જે તે સમયે થયેલા નબળાં કામોને કારણે વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. આ માટે વર્તમાન ચેરમેન યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. વર્ષ 2014માં જે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોએ આ કામગીરી કરી છે તેની સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
માર્કેટીંગ યાર્ડની બોર્ડ બેઠકમાં વેપારીઓની માંગણી અંગે ચર્ચા કરીશું- ચેરમેન
વેપારીઓએ માર્કેટીંગ યાર્ડના ચેરમેનને લેખિતમાં જાણ કરીને તાત્કાલિક અસરથી રિપેરીંગની માંગ કરી છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે બેડી માર્કેટીંગ યાર્ડનું કામ ઘણુ હલકી ગુણવત્તાનું થયું છે અને બાંધકામમાં ભ્રષ્ટ્રાચાર થયો છે. વેપારીઓની ફરિયાદના પગલે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું હતું કે યાર્ડ તૈયાર થયું તે પહેલા ભ્રષ્ટ્રાચારના આક્ષેપ થયા હતા. વેપારીઓની જે રજૂઆત છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. માર્કેટીંગ યાર્ડના બોર્ડમાં વેપારીઓને કઇ રીતે મદદ કરી શકાય તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot: રાજકોટથી પાટીલનો હુંકાર, લોકસભામાં ભાજપ જીતશે ગુજરાતની તમામ 26 બેઠકો, દરેક સીટ પર મેળવશે 5 લાખની લીડ
સહકારી ક્ષેત્રના જુથવાદને કારણે ફરી મુદ્દો ઉઠ્યો ?
મહત્વનું છે કે રાજકોટના સહકારી રાજકારણમાં ભાજપના બે જુથ વચ્ચે વિવાદ ચરમસીમા પર છે. એક તરફ જયેશ રાદડિયા જુથ છે અને બીજી તરફ હરદેવસિંહ જાડેજા જુથ છે. વર્ષ 2014માં યાર્ડ તૈયાર થયું ત્યારે હરદેવસિંહ જાડેજા માર્કેટીંગ યાર્ડમાં સત્તા પર હતા. તે સમયે પણ યાર્ડમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હતા. ત્યારે વેપારીઓની ફરિયાદના કારણે ફરી યાર્ડમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડના સત્તાધિશો વેપારીઓને પડતી હાલાકી અને જે તે સમયે થયેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે શું નિર્ણય લે છે તે જોવુ રહ્યું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો