CBSE Board Exam: ડમી સ્કુલમાં ભણતા હશો તો ડમી જ રહેશો- સીબીએસઈ એ આપ્યો ઝટકો, જાણો વિગતે
'ડમી સ્કૂલ'માં ભણતા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી શકાતી નથી. આવું સીબીએસઈના એક અધિકારીએ જણાવ્યું છે. ગયા વર્ષે જ, CBSE એ દિલ્હી અને રાજસ્થાનની 27 શાળાઓને ડમી પ્રવેશ અંગે કારણદર્શક નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

‘ડમી સ્કૂલો’માં ભણતા 12મા ધોરણના, વિદ્યાર્થીઓને CBSE બોર્ડે મોટો ઝટકો આપ્યો છે. હવે આવા વિદ્યાર્થીઓને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીબીએસઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડમી સ્કૂલો’માં ભણતા ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, CBSE એ ‘ડમી’ વિદ્યાર્થીઓની નોંધણી તપાસવા માટે દિલ્હી, બેંગલુરુ, વારાણસી, બિહાર, ગુજરાત અને છત્તીસગઢની 29 શાળાઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ પછી, તેમની સામે કાર્યવાહી કરતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા દિલ્હી અને રાજસ્થાનની 27 શાળાઓને ડમી પ્રવેશ અંગે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી.
ડમી શાળાઓ શું છે?
હકીકતમાં, એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે. જેથી તેઓ ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓ શાળાના વર્ગખંડમાં હાજરી આપતા નથી અને સીધા બોર્ડની પરીક્ષા જ આપે છે. આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ગમાં હાજરી આપવી જરૂરી નથી હોતી.
હાજરીની લઘુત્તમ જરૂરિયાત પૂરી કરવી આવશ્યક છે
ગયા મહિને જ, શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ડમી પ્રવેશ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સીબીએસઈનું કહેવું છે કે, બોર્ડની પરીક્ષાઓ માટે નિયમિતપણે શાળાએ આવવું અને લઘુત્તમ હાજરીની શરત પૂરી કરવી જરૂરી છે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમયાંતરે શાળાઓને હાજરીના નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવે છે અને તે જ સમયે શાળાઓના ડેટાનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે અને જો કોઈપણ શાળાના ડેટામાં કોઈ અસામાન્યતા જોવા મળે છે, તો તેને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવે છે. પછી CBSE ટીમ દ્વારા શાળાનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
દેશમાં ડમી પ્રવેશ એક મોટી સમસ્યા છે. એવું જોવા મળે છે કે ધોરણ 9 થી જ, વિદ્યાર્થીઓ શાળાઓમાં જવાને બદલે એન્જિનિયરિંગ અને મેડિકલની તૈયારી માટે કોચિંગ સેન્ટરોમાં જવાનું શરૂ કરે છે. આ સમસ્યાના ઉકેલ માટે CBSE એ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
શિક્ષણ અને શિક્ષણ જગતને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા એજ્યુકેશન ટોપિક પર ક્લિક કરો.