Ahmedabad : જીટીયુ ખાતે 5 ટ્રીલિયન ઈકોનોમીમાં ટેક્નોલોજીના રોલ અંગે રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ
આ મીટમાં મુખ્ય અતિથિ તરીકે આરબીઆઈના(RBI) ડાયરેક્ટર સતીશ મરાઠે અને ટેકનિકલ શિક્ષણના સચિવ એસ જે હૈદર હાજર રહ્યા હતા. જેમાં ઈજનેરી, ફાર્મા, મેનેજમેન્ટ, કૃષિ સહિત વિવિધ 20 જેટલી ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો જોડાયા હતા.
Ahmedabad : ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં એગ્રીમ સ્થાન મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા દેશની ઈકોનોમીમાં ટેક્નોલોજીના રોલ અંગે રાઉન્ડ ટેબલ મીટ (Round table meet)યોજવામાં આવી હતી. કેન્દ્રની નરેન્દ્ર મોદીના સરકારે 2025 સુધીમાં દેશની ઈકોનોમીને 5 ટ્રીલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ત્યારે મેક ઈન ઈન્ડીયા અને 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમીમાં ટેક્નોલોજીનો શું રોલ હોય શકે તેના પર આ મીટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મીટમાં મુખ્ય અતિથિ તરીકે આરબીઆઈના ડાયરેક્ટર સતીશ મરાઠે અને ટેકનિકલ શિક્ષણના સચિવ એસ જે હૈદર હાજર રહ્યા હતા. જેમાં ઈજનેરી, ફાર્મા, મેનેજમેન્ટ, કૃષિ સહિત વિવિધ 20 જેટલી ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો જોડાયા હતા. હાલ વિશ્વમાં ભારતની ઈકોનોમી છઠ્ઠા સ્થાને છે. 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કર્યા બાદ ભારતની ઈકોનોમી સમગ્ર વિશ્વમાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરશે. જે ભારત માટે ફાયદાકારક સાબિત થશે.
આ મીટમાં આરબીઆઈના ડીરેક્ટર સતિશ મરાઠેએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રૂરલ ઈકોનોમી અગ્રેસર રીતે કાર્યરત છે. રૂરલ ઈકોનોમીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાથી મેકીંગ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરીને ભારતની ઈકોનોમીમાં મોટા પ્રમાણમાં વૃધ્ધિ લાવી શકાય છે. 5 ટ્રીલિયન ડોલરની ઈકોનોમી બનાવવામાં ઉદ્યોગોની સાથે ટેક્નોલોજી પણ એટલી મહત્વની છે. ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ તરીકે ઉભરી રહેલ રાજ્ય છે. આજના યુવા ટેક્નોક્રેટ્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં સહભાગી થઈ શકે છે. છેલ્લા એક દાયકામાં દેશે ટેક્નોલોજીના ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશની ઈકોનોમીને 5 ટ્રીલિયન ડોર સુધી પહોંચાડી શકાય છે. જેમાં ગ્રામિણ ટેક્નોલોજી, કૃષિ ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી દેશની ઈકોનોમીને ઉંચાઈએ લઈ જઈ શકે છે.
વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દશકમાં ગ્લોબલાઈઝેશન અને નવિનતમ ટેક્નોલોજીની મદદથી વિકસીત બિઝનેસ મોડલમાં ટેક્નોક્રેટ્સ કેવી રીતે મદદરૂપ થઈ શકે, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વિદેશી આયાત પર કેવી રીતે અંકુશ મેળવવો, નિકાસમાં કેવી રીતે વધારો કરવો, ગ્રામીણ ઈકોનોમીને સહયોગી થઈ શકે તેવા સ્ટાર્ટઅપનો વિકાસ કરવો, હેન્ડીક્રાફ્ટ અને ટોય મેન્યુફેક્ચરીંગના પ્રોડકશનમાં કેવી રીતે વધારો કરવો તેમજ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને પણ નવીનત્તમ ટેક્નોલોજીથી સતત અવગત રાખવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :અમદાવાદ રેલવે ડિવિઝનને મળ્યો મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોમન્સ શીલ્ડ