અહીં છે વિશ્વનું સૌથી રહસ્યમય ગર્ભગૃહ ! જાણો, માતા કામખ્યાનું મંદિર કેમ મનાય છે તંત્ર સાધનાનું કેન્દ્ર ?
અમ્બુબાચીના મેળા દરમિયાન તાંત્રિકો તેમના એકાંતવાસમાંથી બહાર આવી તેમની શક્તિઓનું પ્રદર્શન કરે છે. તો, ઘણાં સાધકો નીલાંચલની ગુફાઓમાં બેસી સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. કોઈપણ તંત્ર સાધક ત્યાં સુધી પૂર્ણ તાંત્રિક નથી બનતો કે જ્યાં સુધી તે આ પર્વ દરમિયાન મા કામખ્યા (Maa Kamakhya) સામે શિષ ન નમાવે !
ચૈત્રી નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આદ્યશક્તિના ભક્તો વ્રત, અનુષ્ઠાન કરતા હોય છે. સાથે જ મા ભગવતીના દિવ્ય સ્વરૂપોના દર્શન માટે વિવિધ શક્તિ સ્થાનકોમાં ભ્રમણ કરતા હોય છે. ત્યારે અમારે આજે આદ્યશક્તિના એક એવા ધામની વાત કરવી છે કે જે અનંત ઊર્જાનું કેન્દ્રબિંદુ મનાય છે. આ ધામ એટલે કામખ્યા શક્તિપીઠ !
આસામના ગુવાહાટીથી લગભગ 8 કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાંચલ પર્વત પર માતા કામખ્યાનું મંદિર વિદ્યમાન છે. મા કામખ્યાનું આ સ્થાનક એ આદિશક્તિની 51 શક્તિપીઠમાંથી એક મનાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ધરતીના આ જ સ્થાન પર દેવી સતીનો ગુહ્ય ભાગ પડ્યો હતો. વાસ્તવમાં યોનિ જ ‘નવસર્જન’નું પ્રતિક છે. અને આ ધરા પર તો દેવી સ્વયં જ એ રૂપે વિદ્યમાન હોઈ શ્રદ્ધાળુઓને અહીંના કણ-કણમાં શક્તિનો સંચાર વર્તાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મા કામખ્યાના દર્શને આવે છે.
રહસ્યમય ગર્ભગૃહ !
વાસ્તવમાં દેવી કામખ્યાના મંદિરનું ગર્ભગૃહ એ વિશ્વનું સૌથી અનોખું ગર્ભગૃહ મનાય છે. અહીં ગર્ભગૃહમાં યોનિ આકારના એક કુંડના દર્શન થાય છે. જેની અંદર સદૈવ પાવનકારી જળ પ્રવાહિત થતું જ રહે છે. મા કામખ્યાના મંદિરમાં વિદ્યમાન આ કુંડ મોટભાગે લાલ વસ્ત્ર અને પુષ્પથી ઢંકાયેલો જ રહે છે. વાસ્તવમાં તે જ અનંત શક્તિનો સંપૂટ મનાય છે. એક માન્યતા અનુસાર આ કુંડ અદ્વિતીય અને પ્રકાશમાન ઊર્જાથી પરિપૂર્ણ છે. અને તે જ આ સમસ્ત જગતનું કેન્દ્રબિંદુ મનાય છે. કામખ્યા મંદિરના ગર્ભગૃહને નિહાળવા નીચેના વીડિયો પર ક્લિક કરો.
ત્રિશક્તિના એકસાથે દર્શન !
કામખ્યા મંદિરના ગર્ભગૃહમાં કામખ્યા રૂપ મહાકાલી માતાની સાથે માતંગી રૂપ મહાસરસ્વતી માતા અને કમલા સ્વરૂપ મહાલક્ષ્મી માતાના દર્શન થઈ રહ્યા છે. આ બંન્ને દેવી પીંડી સ્વરૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે. દસ મહાવિદ્યાઓમાં સ્થાન પામનારી આ ત્રણેય દેવીઓ અહીં એકસાથે વિદ્યમાન છે. અને એટલે જ તો ભક્તોને મન આ ધરાના દર્શનનો સવિશેષ મહિમા છે.
તંત્ર સાધકોનું સ્વર્ગ !
દેવી કામખ્યાનું મંદિર નિલાંચલની એ ભૂમિ પર સ્થિત છે, કે જ્યાં દસ મહાવિદ્યાઓ એકસાથે વિદ્યમાન છે. અને સિદ્ધિ પ્રદાન કરનારી આ દસ મહાવિદ્યાઓ જ અહીં તંત્ર-મંત્રના સાધકોને ખેંચી લાવે છે. એમાં પણ અહીં તાંત્રિકો માટે અમ્બુબાચીના મેળા દરમિયાન મા કામખ્યાના દર્શનનું સવિશેષ માહાત્મ્ય રહેલું છે.
અમ્બુબાચીના મેળાનો મહિમા !
દર વર્ષે અષાઢ માસમાં કામખ્યા મંદિરમાં અમ્બુબાચીનો મેળો યોજાય છે. માન્યતા અનુસાર અષાઢ માસમાં દેવી કામખ્યા ત્રણ દિવસ માટે રજસ્વલા થાય છે ! આ ત્રણ દિવસ મંદિર પણ બંધ રહે છે. ચોથા દિવસે સ્નાનવિધિ બાદ મંદિરના કપાટ ખૂલે છે. અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શને ઉમટી પડે છે. આ એ સમય હોય છે કે જ્યારે તાંત્રિકો તેમના એકાંતવાસમાંથી બહાર આવી તેમની શક્તિઓનું પ્રદર્શન કરે છે. તો, ઘણાં સાધકો નીલાંચલની ગુફાઓમાં બેસી સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. કોઈપણ તંત્ર સાધક ત્યાં સુધી પૂર્ણ તાંત્રિક નથી બનતો કે જ્યાં સુધી તે આ પર્વ દરમિયાન મા કામખ્યા સામે શિષ ન નમાવે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)