chaitri Navratri: આ નવરાત્રીએ કરો આ 9 સરળ ઉપાય અને મેળવો આદ્યશક્તિના અઢળક આશીર્વાદ
નવરાત્રીમાં લોકો દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું ખાસ ધ્યાન રાખતાં હોય છે. પણ જો કરશો આ 9 સરળ ઉપાય તો દેવી પૂર્ણ કરશે આપની દરેક મનોકામના. આ સરળ ઉપાયોથી જ થશે આપના માન-સન્માનમાં વધારો. આ ઉપાયોથી જ આપ બની શકશો મા જગદંબાના પ્રિતીપાત્ર !
નવરાત્રી એટલે તો આદ્યશક્તિ (aadhyashakti)ની આસ્થા સાથે આરાધના કરવાનો અવસર. સંપૂર્ણ નવરાત્રી દરમિયાન દેવીના અલગ અલગ રૂપની આરાધના કરવામાં આવે છે. લોકો આદ્યશક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું નવરાત્રીએ કરવાના સરળ 9 ઉપાયો કે જે કરવાથી નવદુર્ગાના આશિષની પ્રાપ્તિ કરી શકો છે.
1. નવ દિવસ સુધી રાખો ઉપવાસ
સાચા મન અને સંપૂર્ણ ભક્તિભાવથી માતાનું સ્મરણ કરીને વ્રત કરો. જો નવ દિવસ વ્રત ન કરી શકો તો પહેલા, ચોથા અને આઠમા નોરતાના દિવસે અવશ્ય ઉપવાસ કરો. આ ઉપવાસ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.
2. વિશેષ કૃપા માટે દેવીના આ રૂપોની સ્થાપના કરો
મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે પોતાના ઘરમાં પૂજા સ્થાન પર મા ભગવતી દુર્ગા , માતા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. આ બધાને ફૂલોથી સજાવીને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાં જોઈએ.
3. માતાના નામની અખંડ જ્યોત પ્રજ્વલિત કરો
નવ દિવસ સુધી ઘરમાં માતાજીના નામની અખંડ જ્યોત અવશ્ય પ્રજવલિત કરો. સાથે જ પૂજા સમયે
” ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ ” મંત્રનો જાપ કરો
4. દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો
નવરાત્રીના દિવસોમાં મા દુર્ગાના સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ મનોરથની પૂર્તિ થતી હોવાની માન્યતા છે.
5. પૂજા કરતા સમયે લાલ રંગના વસ્ત્ર ધારણ કરો
કેહવાય છે કે પૂજા સમયે વ્યક્તિએ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. લાલ રંગને શુભતાની નિશાની માનવામાં આવે છે. એટલું જ નહીં કુમકુમનું તિલક પણ અવશ્ય લગાવો. લાલ રંગ ધારણ કરવાથી વ્યક્તિને વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા છે.
6. પૂજા માટે લાલ રંગના આસનનો ઉપયોગ કરો
પૂજા કરતા સમયે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઇએ. આ વાતનો ખ્યાલ રાખવો કે આસન લાલ રંગનું અને ઊનનું હોવું જોઇએ. ખાસ ધ્યાન રાખો કે પૂજા પૂરી થયા પછી આસનને પહેલાં પ્રણામ કરો.
7. મધ મિશ્રિત દૂધનો ભોગ અર્પણ કરો
મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્યથી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.
8. નવ પ્રકારના સૂકા મેવાનો પ્રસાદ અર્પણ કરો
નવરાત્રીના દિવસોમાં નવ પ્રકારના સૂકા મેવાને લાલ ચુંદડીમાં રાખીને દેવીને ભોગ અર્પણ કરવો જોઈએ. અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે
9. નવ કન્યાઓનું પૂજન કરો
નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે 9 કન્યાઓનું પૂજન અચૂક કરવું જોઈએ. કન્યા પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે. કારણકે આ નવ કન્યાઓ મા દુર્ગાના 9 સ્વરૂપ સમાન માનવામાં આવે છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે ક્ન્યાઓને દક્ષિણ દિશામાં બેસાડવી. આવું કરવાથી વ્યક્તિના માન સમ્માનમાં વધારો થતો હોવાની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !
આ પણ વાંચો : માતા એકાદશીની સાથે બિરાજ્યા દેવી બજ્રેશ્વરી, જાણો હિમાચલ પ્રદેશની શક્તિપીઠનો મહિમા