શ્રીયંત્ર સંબંધિત આ નિયમોનું કરો પાલન, તો જ માતા લક્ષ્મી પ્રદાન કરશે ઐશ્વર્યના આશીર્વાદ !
દેવી લક્ષ્મીના પ્રિય શ્રીયંત્રનું (shree yantra) ધાર્મિક મહત્વ તો છે જ, સાથે જ તેમાં મનને શાંત કરવાની અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાની પણ શક્તિ છે. એટલે, શ્રીયંત્ર કોઇપણ મંદિરમાંથી, યોગ્ય અને સિદ્ધ બ્રાહ્મણ, જ્યોતિષ કે તંત્રના જાણકાર પાસેથી જ પ્રાપ્ત કરવું જોઈએ.
ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવામાં શ્રીયંત્રની પૂજા સૌથી વધુ લાભકારી માનવામાં આવે છે. શ્રીયંત્રની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. એ જ કારણ છે કે લોકો પોતાના ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરીને તેની પૂજા આરાધના કરે છે. માન્યતા અનુસાર જ્યાં વિધિ વિધાન સાથે શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે, ત્યાં સદાય સુખ-સંપત્તિ, સૌભાગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. અલબત્, આ શ્રીયંત્રને સ્થાપિત કરવાના અને તેની પૂજા કરવાના પણ કેટલાંક નિયમો છે. જો તેનું સાચી રીતે પાલન કરવામાં આવે તો જ વ્યક્તિને તેના દ્વારા શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. તો ચાલો, આજે આપણે કેટલાંક આવા જ નિયમો વિશે જાણીએ.
આ રીતે પ્રાપ્ત કરો શ્રીયંત્ર !
દેવી લક્ષ્મીના પ્રિય શ્રીયંત્રનું ધાર્મિક મહત્વ તો છે જ, સાથે જ તેમાં મનને શાંત કરવાની અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાની પણ શક્તિ છે. એટલે, શ્રીયંત્ર કોઇપણ મંદિરમાંથી, યોગ્ય અને સિદ્ધ બ્રાહ્મણ, જ્યોતિષ કે તંત્રના જાણકાર પાસેથી જ પ્રાપ્ત કરવું જોઈએ. જો આપ શ્રીયંત્ર ઓનલાઇન મંગાવી રહ્યા છો તો તેની યોગ્ય તપાસ કરીને જ લેવું.
શ્રીયંત્રની બનાવટ ચકાસો
કોઇપણ યંત્ર એ આકૃતિઓ, ચિન્હો અને અંકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. કોઇપણ યંત્રનો પૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે તેની બનાવટ સાચી હોવી જરૂરી છે. જો આપ શ્રીયંત્રને ઘરમાં સ્થાપિત કરી રહ્યા છો તો યોગ્ય રીતે તેની તપાસ કરી લો કે શ્રીયંત્ર સાચી રીતે બનેલું છે કે તમે ખોટી બનાવટના શ્રીયંત્રની પૂજા કરી રહ્યા છો. જો શ્રીયંત્ર સાચું હશે તો જ તેના દ્વારા પૂર્ણ લાભની પ્રાપ્તિ થશે.
શુભ મુહૂર્તનું રાખો ધ્યાન
ધાર્મિક મહત્વ સાથે જોડાયેલ કોઇપણ કાર્ય શુભ મુહૂર્ત વિના ક્યારેય ન કરવું જોઇએ. નહીં તો તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. એ જ રીતે શ્રીયંત્રની સ્થાપના સમયે પણ શુભ મુહૂર્ત જોઈ લેવું જરૂરી છે. તો જ વ્યક્તિને તેના પૂજનથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
નિયમિત પૂજાનું મહત્વ
જો ઘરમાં શ્રીયંત્ર રાખેલું છે તો તેને પૂજા સ્થાનમાં જ રાખવું જોઈએ અને દેવ સમાન જ નિયમિત રીતે તેની પૂજા અર્ચના કરવી જોઈએ. એકવાર શ્રીયંત્ર સ્થાપિત થયા બાદ તેનું નિત્ય પૂજન જરૂરી છે. તેની પૂજા ન કરવાથી આપને કોઇપણ પ્રકારનો લાભ પ્રાપ્ત નથી થતો. શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીનો દિવસ મનાય છે. એટલે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાથે શ્રીયંત્રની પૂજા જરૂરથી કરવી જોઈએ.
આ રીતે કરો શ્રીયંત્રની પૂજા
શ્રીયંત્રની પૂજા લોભ કે લાલચની ભાવનાથી નહીં, પરંતુ, સુખ અને શાંતિની ભાવનાથી કરવી જોઈએ. શુક્રવારે સવારે સ્નાન કરીને એક થાળીમાં શ્રીયંત્રની સ્થાપના કરવી. તેને લાલ રંગના કપડા પર રાખવું. શ્રીયંત્રને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ ગંગાજળથી શુદ્ધ સ્નાન કરાવવું. હવે શ્રીયંત્રને લાલ ચંદન, લાલ પુષ્પ, અબીલ, ગુલાલ, મહેંદી, રોલી, અક્ષત, લાલ રંગની ચુંદડી અર્પણ કરવી. મીઠાઈનો ભોગ અર્પણ કરવો. ધૂપ, દીપ, કપૂરથી આરતી કરવી, શ્રીયંત્રની સમક્ષ લક્ષ્મીમંત્ર, શ્રીસૂક્ત કે દુર્ગા સપ્તશતીનું પઠન કરવું લાભદાયી બની રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)