રૂપાલાના નિવેદન મુદ્દે હવે યુવરાજ જયવીરસિંહ પણ આવ્યા મેદાનમાં, tv9 સમક્ષ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ વીડિયો
પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિવાદમાં હવે ભાવનગરના યુવરાજ જયવીરસિંહે પણ ઝંપલાવ્યુ છે. tv9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જયવીરસિંહે જણાવ્યુ કે રૂપાલા નિવેદનથી હું પણ આશ્ચર્યમાં છુ.
રાજકોટમાં વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિવાદમાં હવે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરસિંહનું નિવેદન સામે આવ્યુ છે. tv9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જયવીરસિંહે જણાવ્યુ છે કે પરશોત્તમ રૂપાલાના નિવેદનથી હું ખુદ પણ આશ્ચર્યમાં છુ. રાજપૂતોના કારણે જ રોટી અને બેટી સુરક્ષિત હતા. કારણ કે યુદ્ધભૂમિમાં પોતાની માતૃભૂમિની રક્ષાકાજે અનેક રાજપૂતો પોતાના પ્રાણોની આહુતિ આપી છે.
તેમણે કહ્યું રૂપાલાએ અમારી ભાવના જ નહીં ઈતિહાસ સાથે છેડછાડ કરી છે. આ સાથે તેમણે સવાલ કર્યો કે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં ભેદભાવની રાજનીતિ કેમ થઈ રહી છે. વધુમાં યુવરાજે જણાવ્યુ કે રૂપાલાને ટિકિટ મળે કે ન મળે મને કોઈ ફર્ક નથી પડતો. પરંતુ હું મારા સમાજ સાથે છુ અને જ્યારે વાત સમાજની આવે ત્યારે સમાજ તેમને માફ કરે છે કે નહીં તે સમાજના પ્રતિનિધિઓ નિર્ણય કરશે. આ સાથે તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે ભાજપમાં રહેલા સમાજના વડીલો અને યુવાનો કેમ મૌન છે.