વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ
ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષીને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપવા માટે વર્ષ 2003માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિત શરૂઆતમાં દર વર્ષે ગુજરાતના મહત્વપૂર્ણ ઉત્સવ ઉતરાયણ પર્વની પૂર્વે 10થી 12 જાન્યુઆરીની આસપાસ યોજાતો હતો. ત્યાર બાદ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ દર બે વર્ષે જાન્યુઆરીના પ્રથમ પખવાડીયમાં ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના કાળને ધ્યાને રાખીને 2021માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરવામાં આવ્યો હતો.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વિશ્વના અનેક ઉદ્યોગપતિ, ગુજરાત આવીને મૂડીરોકાણની જાહેરાત કરે છે. ગુજરાતે શરૂ કરેલા આ વૈશ્વિક મૂડીરોકાણના મંચને મળેલ અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને હવે દેશના અન્ય રાજ્યો પણ તેમની અનુકુળતાએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ જેવા સેમિનાર આયોજન કરે છે. મૂડીરોકાણના આ વૈશ્વિક મંચ દ્વારા ભારતમાં અનેક કરોડના મૂડીરોકાણની સાથેસાથે નવી રોજગારીનુ સર્જન પણ થાય છે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં દર વખતે કન્ટ્રી પાર્ટનર તરીકે વિશ્વના અનેક દેશ જોડાઈ રહ્યાં છે. 2024માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન થાય તે પહેલાજ અબજો રૂપિયાના નવા મૂડીરોકાણની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2024નું ઉદ્ધાટન કરશે.