ચંદ્રબાબુ નાયડુ
દક્ષિણ ભારતના રાજકારણમાં એન. ચંદ્રબાબુ નાયડુનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે. તેઓ કેન્દ્રીય રાજકારણમાં પણ આગવી રીતે સંકળાયેલા છે. નાયડુ 2015થી તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 2024માં સીએમ પદ સંભાળતા પહેલા ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમણે સૌપ્રથમ વર્ષ 1995માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને 2004 સુધી આ પદ પર રહ્યા. આમ, તેઓ સતત 9 વર્ષ સુધી બે વખત સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આંધ્રપ્રદેશના વિભાજન પછી, નાયડુ 2014 થી 2019 સુધી મુખ્યમંત્રી હતા. તેઓ 2004 થી 2014 અને 2019 થી 2024 સુધી રાજ્યમાં વિરોધ પક્ષના નેતા હતા.
20 એપ્રિલ 1950ના રોજ જન્મેલા ચંદ્રબાબુ નાયડુ 70ના દાયકાથી રાજકીય જીવનમાં સક્રિય છે. નાયડુ પહેલા કોંગ્રેસના સભ્ય હતા પરંતુ 1982માં ટીડીપીમાં જોડાયા હતા. તેઓ 1989 થી 1995 સુધી ટીડીપીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ માહિતી ટેકનોલોજી અને આર્થિક વિકાસના મોરચે સારી કામગીરી કરીને ચાહના મેળવી છે. હૈદરાબાદમાં રોકાણ અને આધુનિકીકરણમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ આંધ્રના તિરુપતિ જિલ્લાના એક કૃષિ પરિવારમાંથી આવે છે.
એન. ચંદ્રબાબુ નાયડુના TDPના સ્થાપક એનટી રામારાવ સાથે પણ સંબંધો છે. તેમણે 1981માં રામારાવની પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા હતા. તેઓ 1996 અને 2004 વચ્ચે રાષ્ટ્રીય રાજકારણમાં પણ દેખાયા હતા. તેમણે 1996માં સંયુક્ત મોરચાની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી 1999માં પણ તેમણે કેન્દ્રમાં સરકાર બનાવવામાં ભૂમિકા ભજવી હતી.