Jasprit Bumrah પર શોએબ અખ્તરનુ ફરી સામે આવ્યુ નિવેદન- ‘એક જ વર્ષમાં તૂટીને ખતમ થઈ જશે બુમરાહ’
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah ) પીઠની ઈજાને કારણે સતત મુશ્કેલીમાં છે અને તેના કારણે તે પહેલા એશિયા કપ અને હવે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માંથી બહાર થઈ ગયો છે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠની સમસ્યાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોને ટાંકીને કહ્યું કે બુમરાહની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યા ફરી ઉભી થઈ છે, જેને ઠીક થવામાં ઘણો સમય લાગશે. બુમરાહની ઈજાના સમાચાર બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) નું જૂનું નિવેદન ફરી સામે આવ્યું છે, જેમાં તેણે આશંકા વ્યક્ત કરી હતી કે એક વખતની ઈજા હંમેશા માટે ઘાતક બની શકે છે.
વિશ્વનો સૌથી ઝડપી બોલર શોએબ અખ્તર, જેણે પોતાની લાંબી ક્રિકેટ કારકિર્દીમાં ઘણી ઇજાઓ ભોગવી છે, તે સ્પષ્ટપણે જાણે છે કે પેસ બોલર તરીકે ઇજા થવી કેટલી સરળ છે અને તેમાંથી બહાર આવવું કેટલું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, જસપ્રિત બુમરાહની ઈજાને લઈને તેની આશંકા સાચી સાબિત થવાનો ભય છે.
પીઠની ઇજા પીછો છોડતી નથી
બુમરાહ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે મેદાનની બહાર છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે તેની અસર તેના પ્રદર્શન પર પણ પડી છે. ગયા વર્ષે, બુમરાહની ઈજા અને ફોર્મને લઈને એક ચેનલ સાથેની ચર્ચામાં, શોએબ અખ્તરે ભારતીય ફાસ્ટ બોલરની ફિટનેસ અને તેની કારકિર્દી વિશે ચોંકાવનારી વાતો કહી હતી, જેને હવે ફરીથી શેર કરવામાં આવી રહી છે.
અખ્તરે કહ્યું હતું કે, બુમરાહે જે પ્રકારનું એક્શન કરી છે, તેમાં પીઠની ઈજા કાયમ રહી શકે છે. અખ્તરના મતે, “તેની બોલિંગ ફ્રન્ટલ એક્શન પર નિર્ભર છે. આ પ્રકારની એક્શન ધરાવતા બોલરો તેમની પીઠ અને ખભા વડે ઝડપ મેળવે છે. જ્યારે ફ્રન્ટલ આર્મ એક્શન ધરાવતા બોલરની પીઠ ઉડે છે (ઈજાગ્રસ્ત) ત્યારે તે ગમે તેટલો પ્રયત્ન કરે છે તે પીછો છોડતી નથી.”
‘એક વર્ષમાં તૂટીને ખતમ થઇ જશે’
કેટલાક ભૂતપૂર્વ બોલરોનું ઉદાહરણ આપતા, પાકિસ્તાની દિગ્ગજએ કહ્યું કે બુમરાહએ મેનેજ કરવું જરૂરી છે, નહીં તો તે એક વર્ષમાં ‘ખતમ’ થઈ જશે. અખ્તરે કહ્યું, “મેં જોયું છે કે (ઇયાન) બિશપ, શેન બોન્ડની પીઠ ઉડી હતી. બુમરાહને પણ જોયો. બુમરાહે હવે વિચારવું પડશે કે મેં મેચ રમી, પછી રિહેબમાં ગયો. હવે તેણે મેનેજ કરવુ પડશે. હવે જો દરેક ક્રિકેટ રમશે તો એક વર્ષમાં તે તૂટી જશે અને ખતમ થઈ જશે.
બુમરાહે તેની 6 વર્ષની કારકિર્દીમાં શરૂઆતના અઢી વર્ષ સુધી કોઈપણ ઈજા વિના સફળતા હાંસલ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ 2019થી અલગ-અલગ ઈજાઓ તેને પરેશાન કરી રહી છે અને અત્યાર સુધીમાં તે સાડા ત્રણ વર્ષમાં 5 વખત ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે. તેમાંથી, પીઠમાં ત્રણ વખત સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યા આવી છે, જેના કારણે એશિયા કપ અને હવે ટી-20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ બહાર થઈ ગયો છે.