અમરેલીમાં માનવભક્ષી સિંહણને પકડવા માટે વનવિભાગે હાથ ધર્યુ મેગા ઓપરેશન, શિકાર કરેલા ખેડૂતને છોડાવવા સર્જાયા દિલધડક દૃશ્યો- Video
સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના ગામોમાં સિંહોના આંટાફેરા સામાન્ય બાબત છે. અહીં અવારનવાર સિંહો ગામમાં અને સીમ વિસ્તારમા આવી ચડે છે. ગત રાત્રિના પણ એક માનવભક્ષી સિંહણે એક ખેડૂત પર હુમલો કરી દીધો. જો કે વનવિભાગને જાણ થતા જ સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા અને ગીર ગઢડા સીમ વિસ્તારની બોર્ડર પર “કાકડી મોલી” ગામ આવેલું છે. આ ગામ નજીક મોડી રાત્રે વન વિભાગનો કાફલો ઉતરી આવ્યો. માનવભક્ષી બનેલી એક સિંહણે વાડી વિસ્તારમાં એક ખેડૂત પર હુમલો કર્યો. ત્યારબાદ તેને દૂર ઢસડીને તેનો શિકાર કર્યો. માહિતી મળતા જ જાફરાબાદ અને જસાધર રેન્જ વન વિભાગની ટીમો દ્વારા “માનવભક્ષી”ને ઝડપવા મોડી રાત્રે “મેગા ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું.
જો કે વન વિભાગનો મોટો કાફલો અને આટલી ગતિવિધિ જોઈને પણ સિંહણ ખેડૂતના મૃતદેહને છોડવા તૈયાર ન હતી. વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા તો સિંહણ વધુ ગુસ્સામાં આવી અને આક્રમક બની. આખરે સિંહણ પાસેથી મૃતદેહને છોડાવવા વન વિભાગે જેસીબીની મદદ લેવી પડી હતી.
ખેડૂતના મૃતદેહનો કબજો મેળવી તેને ઉના હોસ્પિટલ PM માટે ખસેડાયો હતો. જે બાદ શેત્રુંજી ડિવિઝન ડીસીએફ, એસીએફ સહિત વન વિભાગના અલગ-અલગ રેન્જ અધિકારીઓનો મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યો હતો. સિંહણનું લોકેશન ટ્રેસ કરી તેને ઝડપવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. અનેક કલાકોની જહેમત બાદ સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં સફળતા મળી હતી. માનવભક્ષી સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. આખરે સિંહણ ઝડપાઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી માનવ મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોને સતર્ક કરવા માટે વન વિભાગ દ્વારા અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર વન વિભાગે લોકોને અપીલ કરી છે કે રાત્રીના સમયે એકલા અવર જવર ટાળવી.
Input Credit- Jaydev Kathi- Amreli
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો