વિશ્વભરમાં સૌથી મોંધી એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટ સેવા ભારતમાં સફળ થશે ?
સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત વાયરલેસ સેવાઓ અને હાર્ડવેરની કિંમત ફાઇબર અને ફિક્સ્ડ વાયરલેસ કરતા ઘણી વધારે છે. એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટ આધારિત વાયરલેસ સેવાઓ સૌ કોઈને પરવડે તેમ નથી. પરંતુ એરટેલ અને રિલાયન્સ જિયોએ ભારતના ગ્રાહકો અને તેમની ખરીદ શક્તિને ધ્યાને રાખીને સસ્તા ભાવે સ્ટારલિંક સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી હોવી જોઈએ.

જ્યારથી સ્ટારલિંકે ટેલિકોમ કંપનીઓ એરટેલ અને રિલાયન્સ જિયો સાથે હાથ મિલાવ્યા છે, ત્યારથી રોજે રોજ અવનવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. લોકો પણ Starlink વિશે વધુ ને વધુ જાણવા માટે ઉત્સુક છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સ અને નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, Starlink સાથે સીધા કનેક્ટ થવાને બદલે લોકો માટે Airtel અને Reliance Jio દ્વારા કનેક્ટ થવું સસ્તું પડશે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, એરટેલ અને રિલાયન્સ જિયો તેમના પોર્ટફોલિયોમાં સરળ ચુકવણી અને ઇન્સ્ટોલેશન વિકલ્પો સાથે સ્ટારલિંકનો પણ સમાવેશ કરી શકે છે. આ સાથે, સ્ટારલિંક સેવા ભારતના લોકો માટે સસ્તું વિકલ્પ બની શકે છે.

વિશ્લેષકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફાઇબર અને ફિક્સ્ડ વાયરલેસ સેવાઓ ભારતીય બજારમાં પોસાય તેવા વિકલ્પો રહેશે, પરંતુ જેઓ સ્ટારલિંક સેવાઓનો લાભ લેવા માંગે છે, તેઓ જ્યાં આ બંને સેવાઓ ઉપલબ્ધ નથી ત્યાં સ્ટારલિંક સેવાઓનો લાભ લેવા માંગશે. સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે સ્ટારલિંકની ભાગીદારીથી લોકોને ફાયદો થશે.

ઉપગ્રહ આધારિત ઈન્ટરનેટ સેવાના સાધનોની કિંમત વધારે છે, પરંતુ એરટેલ અને જિયો સાથે હાથ મિલાવવાથી સ્ટારલિંક ઉપકરણોની કિંમત ઘટાડવામાં મદદ મળશે. એરટેલ અને જિયો સાથે સ્ટારલિંકનો સોદો તમામ પક્ષો માટે ફાયદાકારક રહેશે. ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડની સફળતા યોગ્ય કિંમત ઉપર જ નિર્ભર છે. જો સસ્તી સેવા રહેશે તો સફળ થશે અન્યથા એરટેલ અને જિયો તેમજ સ્ટારલિંક માટે નુકસાનનો વારો આવશે.

કિંમતો અંગે નિષ્ણાતો કહે છે કે સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ અને હાર્ડવેરની કિંમત ઘણી વધારે છે જેના કારણે પરવડે તેવી ક્ષમતા મર્યાદિત છે. યુએસમાં સ્ટારલિંક માટે માસિક દરો $120 (અંદાજે રૂ. 10434) થી $500 (અંદાજે રૂ. 43477) ની વચ્ચે છે.

એક વખતના હાર્ડવેર ચાર્જર માટે $599 (લગભગ 52085 રૂપિયા) થી $2500 (લગભગ 217386 રૂપિયા) ખર્ચવા પડશે. કેન્યા જેવા દેશોમાં તે થોડું સસ્તું છે, જ્યાં માસિક પ્લાનની કિંમત $10 (અંદાજે રૂ. 869) થી શરૂ થાય છે અને હાર્ડવેરની કિંમત $178 (અંદાજે રૂ. 15477) થી $381 (અંદાજે રૂ. 33216) સુધીની છે. ( તસવીર સૌજન્ય- સોશિયલ મીડિયા)
ટેકનોલોજી અને મોબાઈલને લગતા સમાચાર સૌ કોઈ માટે મહત્વના બની રહે છે, કારણ કે બન્ને ક્ષેત્રે સમયાંતરે અવનવી શોધ વપરાશકર્તા માટે ફાયદાકારક હોય છે. આપ પણ મોબાઈલને લગતા તમામ સમચાર જાણવા માટે અહીં ક્લિક કરો.