ચોમાસામાં સુરતના આ સ્થળે પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેમાં આસપાસના જંગલ વિસ્તારમાં નયનરમ્ય કુદરતી દ્રશ્યો માણવા મળે છે.
સુરત શહેરથી 100 કિ.મી. દુર આવેલા ઉમરપાડા તાલુકાથી 15 કિ.મી.ના અંતરે દિવતણ ગામની સીમમાં આંજણીયા નદી પરથી પડતા દેવઘાટના ધોધને માણવા માટે હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે.
સાગ, મહુડા, લીબારા જેવા ગાઢ વૃક્ષોની વચ્ચે જંગલો અને પ્રકૃત્તિના વૈભવને માણવાનો લહાવો લેવા જેવો છે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે. આસપાસના જંગલ વિસ્તારમાં જાણે સાક્ષાત મા પ્રકૃત્તિનો વાસ થયો હોય એવા નયનરમ્ય કુદરતી દ્રશ્યો માણવા મળે છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત વન વિભાગ દ્વારા 3.53 કરોડના ખર્ચે ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરીને રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેવઘાટ પ્રવાસન ધામનો વિકાસ કરાતાં પ્રવાસીઓને હરવા ફરવાનું ઉત્તમ સ્થળ મળ્યું છે.
રાજ્ય સરકારે અહીં ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરતા આ પંથકના ખાસ કરીને ખેતી ઉપર નભતા લોકો માટે રોજગારીની તક ઊભી થઈ છે. ઉમરપાડા તાલુકાનાં જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામની સીમમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થયો છે.