જસ્ટિસ વર્મા પહેલા આ 8 ન્યાયાધીશો પર ચલાવવામાં આવ્યો મહાભિયોગ ! જાણો શું થઈ કાર્યવાહી
આ પહેલી વાર નથી જ્યારે કોઈ ન્યાયાધીશ સામે આ પ્રકારનું પગલું લેવામાં આવી રહ્યું હોય આ પહેલા પણ ઘણા ન્યાયાધીશો સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ચાલો જાણીએ

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.આ પહેલી વાર નથી જ્યારે કોઈ ન્યાયાધીશ સામે આ પ્રકારનું પગલા લેવામાં આવી રહ્યા હોય આ પહેલા પણ ઘણા ન્યાયાધીશો સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ચાલો જાણીએ કયા કયા ન્યાયાધીશો પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી.

1. જસ્ટિસ વી. રામાસ્વામી: સ્વતંત્ર ભારતમાં પહેલી વાર 1991માં કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વી. રામાસ્વામી મહાભિયોગનો સામનો કરનારા પહેલા ન્યાયાધીશ હતા. 1991માં તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, આ પ્રસ્તાવ લોકસભામાં ફગાવી દેવામાં આવ્યો હતો. 1990માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના આધારે તેમને પદ પરથી દૂર કરવા માટે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

2.ન્યાયાધીશ સૌમિત્ર સેન: 2011 માં, રાજ્યસભાના સભ્યોએ કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સેન વિરુદ્ધ આવી જ એક દરખાસ્ત રજૂ કરી હતી. જોકે, તેમણે 1 સપ્ટેમ્બર 2011ના રોજ, લોકસભામાં આ દરખાસ્ત પર ચર્ચા શરૂ થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિને મોકલેલા રાજીનામા પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારના દોષિત નથી.

3 ન્યાયાધીશ પીડી દિનાકરણ: કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ પીડી દિનાકરણનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમના પર જમીન હડપ કરવાનો અને તેમના પદનો દુરુપયોગ કરીને અઢળક સંપત્તિ મેળવવાનો આરોપ હતો. આ કેસમાં પણ રાજ્યસભાના સભ્યોએ તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી માટે અરજી દાખલ કરી હતી. આ કેસમાં ઘણી યુક્તિઓ અપનાવવામાં આવી હતી, ત્યારબાદ ન્યાયાધીશ દિનાકરણે જાન્યુઆરી 2010 માં રચાયેલી તપાસ સમિતિના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ તેમણે પણ કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં જ 29 જુલાઈ 2011ના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

4.ન્યાયાધીશ એસ.કે. ગંગલે: 2015માં રાજ્યસભાના સભ્યોએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.કે. ગંગલે સામે અધ્યક્ષને મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી હતી. 2015માં તેમના પર મહિલા ન્યાયાધીશનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યાયાધીશ ગંગલેએ રાજીનામું આપવાને બદલે તપાસનો સામનો કરવાનું વધુ સારું માન્યું. બે વર્ષ સુધી ચાલેલી તપાસમાં તેમના પર જાતીય શોષણનો આરોપ સાબિત થયો ન હતો અને આ સાથે મહાભિયોગ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો ન હતો.

5. ન્યાયાધીશ સી.વી. નાગાર્જુન રેડ્ડી: તેલંગાણા અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ સી.વી. નાગાર્જુન રેડ્ડી સામે મહાભિયોગ કાર્યવાહી માટે રાજ્યસભામાં એક અહેવાલ પણ આપવામાં આવ્યો હતો.

6. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા: 2015 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જે.બી. પારડીવાલાને મહાભિયોગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે તેઓ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ હતા. રાજ્યસભાના 58 સાંસદોએ તેમની સામે નોટિસ લાવી હતી. ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે જસ્ટિસ પારડીવાલાને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, નોટિસ મળ્યા બાદ તેમણે પોતાની ટિપ્પણીઓ કાઢી નાખી હતી, જેના પગલે રાજ્યસભાના અધ્યક્ષ હામિદ અન્સારીએ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

7. દીપક મિશ્રા: 2018 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તત્કાલીન રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ દ્વારા પ્રારંભિક તબક્કે આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.

8. શેખર યાદવ: 2024 માં રાજ્યસભામાં 55 સાંસદો દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ઉપલા ગૃહમાં નોટિસ લાવનારા મોટાભાગના સાંસદો વિપક્ષી પક્ષના હતા. ન્યાયાધીશ યાદવને 2019 માં હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એક સંબોધનમાં લઘુમતીઓ વિરુદ્ધ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા જેમાં તેમણે સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી હતી.
Viral Video: મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડશે… ફરી સામે આવ્યો ભાષા વિવાદનો મુદ્દો.........., આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
