ગુજરાતના આ જિલ્લાના ગરીબ આદિવાસી પરિવારના દીકરાએ સિંગાપોરમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું
સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદાના ગરીબ આદિવાસી પરિવારના દીકરાએ ગોલ્ડ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાતના આદિવાસી યુવાને 800 મીટર રેસમાં ગોલ્ડ, 200 મીટરમાં સિલ્વર અને 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ યુવાનની કહાની આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારત અને ગુજરાતના ગૌરવ તરીકે વાંસદાનો યુવક ચમક્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામનો ચેતન ભઘરીયાએ 800 મીટર રેસમાં ગોલ્ડ, 200 મીટરમાં સિલ્વર અને 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ચેતન ભઘરીયા પોતાના ગામ કેલિયા પહોંચ્યો, ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ હતો. ગામના લોકોએ નાચગાન અને તાળીઓથી ચેતનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગરીબ આદિવાસી પરિવારનો દીકરો ચેતન, બાળપણથી જ મહેનત અને લક્ષ્ય પર નજર રાખતો હતો. ક્યારેય પણ સંજોગોને દોષ આપ્યા વિના તે સતત દોડતો રહ્યો. ચેતન માટે પ્રેરણાનો પ્રથમ સ્ત્રોત રહ્યો ખેલ મહાકુંભ. ત્યાથી શરૂઆત કરીને આજે તેણે સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ ઊંચું કર્યું છે.

આજના યુવાનો માટે ચેતન જેવી કહાની માત્ર એક સમાચાર નથી. પણ એક જીવંત પ્રેરણા છે કે મહેનત અને માનસિકતા હોય તો ગરીબી પણ સફળતાને રોકી શકતી નથી.

ચેતન ભઘરીયાએ જીત બાદ કહ્યું કે, મારા માટે દરેક મેડલથી પણ મોટી વાત એ છે કે આજે મારા ગામના બાળકો મને જોઈને દોડવાનું સપનું જુએ છે, એ સૌથી મોટું ગૌરવ છે.
ચેતન ભઘરીયા જેવા હજારો યુવા એથ્લેટ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા સક્ષમ છે. ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
