Paris Olympics 2024: AC રૂમમાં યોજાય છે શૂટિંગ ગેમ્સ, છતાં પરસેવે રેબઝેબ થઈ જાય છે શૂટર્સ, જાણો કેમ?
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે શૂટિંગમાં ત્રણ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકરે પહેલો મેડલ જીત્યા બાદ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ફેન્સની નજર હવે શૂટિંગ પર ફરી છે. આ ગેમમાં શૂટર્સ જે રાઈફલ કે પિસ્તોલનો ઉપયોગ કરે છે, તેની ચોક્કસથી ચર્ચા થાય છે, પરંતુ આ સિવાય તેમના કોસ્ચ્યુમને લઈને પણ ફેન્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. ફૂલ AC વાળા રૂમમાં યોજાતી શૂટિંગ સ્પર્ધામાં ફૂલ સ્લીવ હેવી કોસ્ચ્યુમમાં શૂટર્સ પરસેવે રેબઝેબ થઈ જાય છે, છતાં કેમ શૂટર્સ આ કોસ્ચ્યુમ પહેરે છે? શું છે આ કોસ્ચ્યુમમાં ખાસ? અને કેમ આને પહેરવું ફરજિયાત છે? જાણો આ ખાસ આર્ટીકલમાં.

ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગ સૌથી વધુ લાઈમલાઈટમાં રહેતી ગેમ્સમાં એક છે. શૂટિંગમાં અનેક ઈવેન્ટ્સ યોજાય છે. આ શૂટિંગ ગેમ્સમાં રાઈફલ કે પિસ્તોલનો ઉપયોગ થાય છે અને તેને ચલાવવા માટે ખાસ ટ્રેનિંગની સાથે સ્પેશિયલ કોસ્ચ્યુમ પણ જરૂરી હોય છે. આ ખાસ કોસ્ચ્યુમને 'શૂટિંગ ગિયર' કહેવામાં આવે છે.

આ શૂટિંગ ગિયરમાં ખાસ જેકેટ્સ અથવા કોટ્સ હોય છે, જે શૂટર્સને રાઈફલ કે પિસ્તોલથી નિશાન લગાવવામાં મદદરૂપ થાય છે. આ ગિયર શૂટર્સને ટાર્ગેટ સેટ કરવામાં એક બેલેન્સ આપે છે, સાથે જ આસપાસની હવાથી ટાર્ગેટ પરનું સંતુલન ના હટે તેના માટે મદદ કરે છે.

આ જેકેટ્સની અંદર વધારાનું પેડિંગ હોય છે, જે રિકોઈલ (બંદૂક ફૂટતાં લાગતો ધક્કો) ની અસર થવા દેતું નથી, જેથી શૂટર્સ ચોક્કસ નિશાન લગાવી શકે. કોણી પરનું પેડિંગ શૂટર્સને એક મજબૂત આધાર પૂરો પાડે છે, જેથી શૂટર્સ રાઈફલને પરફેક્ટ બેલેન્સ કરી શકે છે.

આ સિવાય શોટગન એથ્લેટ્સને જ સાઈડ બ્લાઈન્ડર અથવા બ્લિંકર પહેરવાની પરવાનગી છે, જેનો ઉપયોગ ફોકસને સુધારવા અને આસપાસની વસ્તુઓને તેમની આંખોથી (ટાર્ગેટથી) દૂર રાખવા માટે કરવામાં આવે છે.

આ શૂટિંગ ગિયરનું વજન શૂટર્સના વજન અનુસાર જ હોય છે, છતાં તે વજનદાર (heavy) હોય છે અને આ ગિયરમાં ચોક્કસથી ગરમી થાય છે, જેથી આ ગેમમાં શૂટર્સ AC રૂમમાં ઈવેન્ટ હોય છે, છતાં અનેકવાર પરસેવે રેબઝેબ થઈ જાય છે.

મોટેભાગની શૂટિંગ ગેમ્સ ઈનડોર રૂમમાં અને ફૂલ ACવાળા હોલમાં જ યોજવામાં આવે છે, જેની પાછળનું મુખ્ય કારણ હવાની અવરજવર છે. બહારની હવા શૂટર્સના ટાર્ગેટને અસર ન કરે અને શૂટર્સ ચોક્કસ નિશાન સમાન રેન્જ અને વાતાવરણમાં લગાવી શકે એ માટે આવા ફૂલ AC વાળા બંધ રૂમમાં મોટાભાગની શૂટિંગ ગેમ્સ યોજાય છે.



























































