Gold Silver Rate : અદ્ભૂત… અવિશ્વસનીય… સોના-ચાંદીએ ફરી એકવાર તોડી નાખ્યા ‘રેકોર્ડ’, રોકાણકારોમાં ઉત્સાહ અને બજારમાં તીવ્ર હલચલ
વૈશ્વિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બંને ધાતુઓમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

બુધવાર, 21 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં સોનાના ભાવ વધીને આશરે ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે ચાંદીના ભાવ પણ પ્રતિ કિલો 3.34 લાખ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરને સ્પર્શી ગયા હતા.

ઓલ ઇન્ડિયા સર્રાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું બુધવારે ₹6,500 (આશરે 4.2 ટકા) ના તીવ્ર વધારા સાથે ₹1,59,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આના એક દિવસ પહેલા જ સોનું પ્રથમ વખત ₹1.50 લાખ પ્રતિ 10 ગ્રામના મહત્વના સ્તરને પાર કરી ગયું હતું.

ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો સતત 9મા દિવસે પણ જોવા મળ્યો હતો. બુધવારે ચાંદી ₹11,300 ઉછળીને ₹3,34,300 પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ચાંદી ₹3,23,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી, એટલે કે એક જ દિવસમાં તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

HDFC સિક્યોરિટીઝના કોમોડિટી સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીના જણાવ્યા અનુસાર, સોના અને ચાંદીમાં આ રેકોર્ડ બ્રેક તેજી સુરક્ષિત રોકાણની સતત વધતી માંગ અને ગોલ્ડ તેમજ સિલ્વર-બેઝ્ડ ETFમાં મજબૂત રોકાણને કારણે આવી છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં સપ્લાયની અછત, રોકાણકારોની માંગ અને રૂપિયાની નબળાઈને કારણે ભારતમાં આ ધાતુઓના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની તુલનામાં વધુ પ્રીમિયમ પર રહ્યા છે.

વૈશ્વિક બજારોમાં પણ સોનાએ ઇતિહાસ રચ્યો છે. ટ્રેડિંગ પ્લેટફોર્મ FOREX અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રથમ વખત 4,800 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગયું છે. સ્પોટ ગોલ્ડની કિંમત 124.97 ડોલર (2.6 ટકા) વધીને 4,888.46 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પણ મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. બુધવારે સ્પોટ સિલ્વર 0.33 ટકાના વધારા સાથે 94.91 ડોલર પ્રતિ ઔંસ પર રહી હતી. આ અગાઉના સત્રમાં ચાંદી 95.89 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગઈ હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે, વિશ્વભરમાં ચાલી રહેલા જીઓ-પોલિટિકલ તણાવ, ટેરિફ વોરની આશંકા અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સતત સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. ઓગમોન્ટ રિસર્ચના હેડ રેનિશા ચેનાનીના જણાવ્યા અનુસાર, જો વૈશ્વિક તણાવ અને જોખમથી બચવાની ધારણા જળવાઈ રહેશે, તો આગામી સમયમાં સોનાના ભાવ 5,000 ડોલર પ્રતિ ઔંસના સ્તર તરફ પણ વધી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
