તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં ? આ ચલણ અંગે RBI નું એક મોટું અપડેટ બહાર આવ્યું
ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની નોટ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ત્રણ વર્ષ પહેલા આ નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદ પણ 2000 રૂપિયાની કેટલીક નોટો હાલ ચલણમાં છે. એવામાં સવાલ એ છે કે, શું આ 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં?

RBI ના તાજેતરના ડેટા અનુસાર, આ નોટોનો એક નાનો ભાગ હજુ પણ ચલણમાં છે. તાજેતરમાં, RBI એ 2000 રૂપિયાની નોટોની સ્થિતિ અંગે એક બુલેટિન બહાર પાડ્યું છે.

રિઝર્વ બેંકે જણાવ્યું કે, જ્યારે 19 મે, 2023 ના રોજ ₹2,000 ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આ નોટોનું કૂલ અંદાજીત મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. જો કે, 31 ડિસેમ્બર, 2025 ના રોજ કામકાજ બંધ થતાં આ આંકડો ઘટીને ₹5,669 કરોડ જેટલો થઈ ગયો હતો.

આનો અર્થ એ થયો કે, મે 2023 માં ચલણમાં રહેલી ₹2,000 ની નોટોમાંથી 98% થી વધુ નોટો RBI ને પરત કરવામાં આવી છે. જો કે, હાલમાં પણ આ નોટો ખૂબ જ ઓછી સંખ્યામાં ચલણમાં છે અથવા તો કેટલાક લોકો પાસે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું 2000 રૂપિયાની નોટ ગેરકાયદેસર છે? આ વાતને ધ્યાનમાં રાખીને RBI એ સ્પષ્ટતા કરી છે કે, 2000 રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર છે. આનો અર્થ એ થયો કે, જો કોઈ વ્યક્તિ પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય, તો તે ગુનો નથી. બસ ધ્યાન રાખો કે, આવી નોટો કેન્દ્રીય બેંકને પરત કરવી આવશ્યક છે.

RBI એ ₹2,000 ની નોટ બદલવા અને જમા કરાવવાની પ્રોસેસ પણ સ્પષ્ટ કરી છે. દેશભરની બેંક શાખાઓમાં ₹2,000 ની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.

નોંધનીય છે કે, બેંક શાખાઓમાં આ સુવિધા બંધ કરવામાં આવી હોવા છતાં ₹2,000 ની નોટો હજુ પણ 19 RBI ઇશ્યુ ઓફિસમાં બદલી અથવા જમા કરી શકાય છે. આ ઉપરાંત, 9 ઑક્ટોબર, 2023 થી RBI ની આ કચેરીઓ લોકો અને સંસ્થાઓ પાસેથી નોટો સ્વીકારીને તે રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરી રહી છે.

જણાવી દઈએ કે, સામાન્ય લોકો કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ₹2,000 ની નોટો ઇન્ડિયા પોસ્ટ દ્વારા RBI ની ઇશ્યુ ઓફિસમાં મોકલી શકે છે અને પછી રકમ તેમના બેંક ખાતામાં જમા થાય છે. RBI ની ઇશ્યુ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં સ્થિત છે.
દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
