Railway: ટિકિટ તો તમે બુક કરી લીધી પણ રેલવેની આ ફ્રી સર્વિસનો લાભ લીધો કે નહીં?
ટ્રેનની ટિકિટ તો બધા બુક કરે છે પણ ઘણા લોકોને એ ખબર નથી કે ટિકિટ પછી રેલવે કેટલીક 'ફ્રી સર્વિસ' પણ આપે છે. શું તમને ખબર છે રેલવેની 'ફ્રી સર્વિસ' વિશે? જો ના તો આજે જ જાણી લો અને તેનો લાભ ઉઠાવો.

ભારતીય રેલવે તેના મુસાફરોને AC1, AC2 અને AC3 ના દરેક કોચમાં એક ધાબળો, એક ઓશીકું, બે ચાદર અને એક ટુવાલ આપે છે. જો કે, ગરીબ રથ એક્સપ્રેસમાં આ સર્વિસ માટે 25 રૂપિયા ચૂકવવા પડે છે. આ ઉપરાંત, મુસાફરો કેટલીક ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં બેડરોલ પણ મેળવી શકે છે. જો તમને ટ્રેનની મુસાફરી દરમિયાન બેડરોલ ન મળે, તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છો અને રિફંડનો દાવો કરી શકો છો.

જો તમે ટ્રેનની મુસાફરી દરમિયાન બીમાર થાઓ છો, તો રેલવે તમને મફતમાં પ્રાથમિક સારવાર આપે છે અને જો સ્થિતિ ગંભીર હોય, તો તે વધુ સારવારની વ્યવસ્થા પણ કરી આપે છે. આના માટે તમે ફ્રન્ટ લાઇન કર્મચારીઓ, ટિકિટ કલેક્ટર્સ, ટ્રેન સુપરિન્ટેન્ડેન્ટ વગેરેનો સંપર્ક કરી શકો છો. જો જરૂર પડે તો ભારતીય રેલવે વાજબી ચાર્જ પર આગામી ટ્રેન સ્ટોપેજ પર તમારા માટે તબીબી સારવારની પણ વ્યવસ્થા કરશે.

જો તમે રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારી ટ્રેન 2 કલાકથી વધુ મોડી પડે છે, તો રેલવે તમને 'ફ્રી'માં જમવાનું પૂરું પાડી આપે છે. આ ઉપરાંત, જો તમારી ટ્રેન મોડી પડે છે અને તમે કંઈક સારું ખાવા માંગતા હોવ તો તમે RE-કેટરિંગ સર્વિસમાંથી જમવાનો ઓર્ડર પણ આપી શકો છો.

દેશના બધા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર ક્લોકરૂમ અને લોકર રૂમ ઉપલબ્ધ છે. તમે આ લોકર રૂમ અને ક્લોકરૂમમાં તમારો સામાન વધુમાં વધુ 1 મહિના માટે રાખી શકો છો. જો કે, આના માટે તમારે કેટલાક ચાર્જ ચૂકવવા પડશે.

કોઈપણ સ્ટેશન પર ઉતર્યા પછી જો તમારે આગલી ટ્રેન પકડવા માટે અથવા બીજા કોઈ કામ માટે સ્ટેશન પર રાહ જોવી પડે છે, તો તમે સ્ટેશન પર એસી અથવા નોન-એસી વેઇટિંગ હોલમાં આરામથી રાહ જોઈ શકો છો. જણાવી દઈએ કે, આના માટે તમારે તમારી ટ્રેન ટિકિટ બતાવવી પડશે.
હવે ફક્ત બોલીને ટ્રેનની ટિકિટ Book અને Cancel થઈ જશે, જાણો કઈ રીતે IRCTC ની AI સુવિધા કરે છે કામ, જાણવા માટે અહીં ક્લિક કરો..

































































