IRCTC : હવે 45 પૈસામાં ₹10 લાખનો વીમો ! ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ સુવિધા વિશે ખાસ જાણી લો
રેલવે અકસ્માતોને કારણે ઘણા લોકોને જાનમાલનું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ વીમો નથી તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે. ખાસ વાત એ છે કે, જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય, તો તમને આપમેળે વીમાનો લાભ મળે છે.

જો તમે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવો છો , તો તમે માત્ર 45 પૈસામાં ₹ 10 લાખ સુધીનું વીમા કવર મેળવી શકો છો. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ લાભ IRCTC ની વેબસાઇટ અથવા એપ પરથી ટિકિટ બુક કરાવનારાઓને આપવામાં આવી રહ્યો છે. આનું નામ 'ઓપ્શનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સ્કીમ' (OTIS) છે, જે ભારતીય રેલવે અને કેટલીક વીમા કંપનીઓ સાથે ભાગીદારીમાં ચલાવવામાં આવી રહી છે.

આ વીમો ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે, જેઓ IRCTC દ્વારા કન્ફર્મ અથવા RAC ટિકિટ બુક કરાવે છે. જો તમે રેલવે સ્ટેશન પર જઈને ટિકિટ ખરીદો છો અથવા તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે, તો તમને આ સુવિધા મળશે નહીં.

હવે પ્રશ્ન એ છે કે, આ સુવિધા મળશે કેવી રીતે? તો વાત એમ છે કે, જ્યારે તમે IRCTC વેબસાઇટ અથવા એપ પરથી ટિકિટ બુક કરશો, ત્યારે તમને ઈન્સ્યોરન્સ પસંદ કરવા માટેનો એક ઓપ્શન મળશે. બસ ત્યાં ટિક કરતાં જ તમારી ટિકિટમાં 45 પૈસાનું પ્રીમિયમ ઉમેરવામાં આવશે.

ટિકિટ બુક થયા પછી, તમને વીમા કંપની તરફથી પોલિસી અને નોમિની અપડેટ લિંક સાથેનો મેસેજ અથવા ઇમેઇલ આવશે. ઈન્સ્યોરન્સ ક્લેમ માટે નોમિનીની વિગતો અપડેટ કરવી જરૂરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વીમામાં વિવિધ સુરક્ષાઓ સમાવિષ્ટ છે. મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા મળે છે. સંપૂર્ણ કાયમી અપંગતા માટે 10 લાખ રૂપિયા અને આંશિક કાયમી અપંગતા માટે 7.5 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

હોસ્પિટલ ખર્ચ માટે 2 લાખ રૂપિયા સુધી અને શવ પહોંચાડવા માટે 10 હજાર રૂપિયા સુધીનું કવરેજ મળી શકે છે. આ કવર ટ્રેન અકસ્માત, પાટા પરથી ઉતરી જવા, કોઇ અથડામણો અથવા આતંકવાદી હુમલા જેવી ઘટનાઓ પર લાગુ પડે છે. કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરો, વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવનારા વિદેશી પ્રવાસીઓ આ લાભ મેળવી શકશે નહીં.

જો કોઈ અનિચ્છનીય ઘટના બને છે, તો પોલિસીધારક અથવા નોમિનીએ સીધો વીમા કંપનીનો સંપર્ક કરવાનો રહેશે. IRCTC આ પ્રક્રિયામાં સામેલ નથી. દાવા માટે જરૂરી દસ્તાવેજો વીમા કંપનીની વેબસાઇટ પર અથવા SMS લિંકમાં ઉલ્લેખિત કરવામાં આવશે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
